Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજકોટમાં ૨ દિ'માં ૨૬નો ભોગ લેવાયો

ગઇકાલ સવારનાં ૮ થી આજ સવારના ૮ વાગ્યા સુધીમાં ૧૭ના મોતઃ સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં એક મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૨૮:  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં ૧૭ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. તે સાથે છેલ્લા ૨  દિવસમાં મૃત્યુઆંક ૨૬ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને  જીલ્લામાં એક મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૭નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૨૮ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૭ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે દિવસમાં કોરોનાએ ૨૬ લોકોની જિંદગી છીનવી લીધી હતી.જયારે ગત સપ્તાહએ મુત્યુમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.  દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

(11:27 am IST)