Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દમ મારો દમ... વાલીગણ અંધારામાં...

હાય હાય... દોઢ કરોડ બાળકો નશાના રવાડેે

આલ્કોહોલ-અફીણ-કોકેઇન-ભાંગ સહિતના નશીલા પદાર્થો લેતા હોવાનો રાષ્ટ્રીય સર્વેમાં ખુલાસો

નવી દિલ્હી, તા.૨૮: હાલ બોલિવુડમાં ડ્રગ્સની લત ચર્ચાનો વિષય બની ગયો છે. એક પછી એક મોટી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે જે ડ્રગ્સમાં ડૂબેલા છે. આ  બધામાં શું સાચુ છે અને શું ખોટું તે તો એજન્સીઓ તપાસ કરી લેશે પરંતુ આપણે જો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો જાણવા મળશે કે વધુ એક સમસ્યા ગંભીર રીતે ફેલાયેલી છે.

છાશવારે બસ સ્ટેશનો, રેલવે લાઈનના કિનારે, મહાનાગરોમાં કચરો વિણતા બાળકો જોયા હશે. ધ્યાનથી જોશો તો જોવા મળશે કે તેમાંથી કેટલાક બાળકો તો અડધા બેભાન અવસ્થામાં જ હોય છે અને કોઈ કપડાને સૂંઘતા હોય છે. હકીકતમાં મોટી સંખ્યામાં બાળકો નશાના આદી થઈ ચૂકયા હોય છે. તેમનું ખાવાનું પીવાનું આ નશો જ હોય છે જેને મેળવવા માટે તેઓ કચરો પણ વીણતા હોય છે. અનેક NGO તેના પર કામ કરવાનો દાવો કરે છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

આ સમસ્યાને લઈને સરકાર તરફથી થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ભારત સરકારે જણાવ્યું છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે ૧૦થી ૧૭ વર્ષના વયજૂથના લગભગ ૧.૪૮ કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે.

આ સર્વે આજકાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયએ વર્ષ ૨૦૧૮ દરમિયાન દેશમાં નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપ સંબંધે રાજયવાર વિગતો ભેગી કરવા માટે એક રાષ્ટ્રીય સર્વેક્ષણ કરાવ્યો હતો.

મંત્રાલયે આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં વિવિધ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા ૧૦થી ૭૫ વર્ષના વયજૂથમાં ભારતની જનસંખ્યા રશિયો અને નશીલા પદાર્થોના ઉપયોગથી પેદા થતી વિકૃતિઓ સંદર્ભે તારણો રજુ કરાયા છે. તેની વિગતો હાલમાં જ લોકસભામાં રજુ કરાઈ હતી. ૨૦ સપ્ટેમ્બરના રોજ રાજીવ પ્રતાપ રૂડીના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ આ વિગતો આપી.

સર્વેમાં સામે આવ્યું છે કે દરેક પ્રકારના વયજૂથમાં દારૂનું સેવન કરનારા સૌથી વધુ છે. ૧૦થી ૧૭ વર્ષના વયજૂથમાં અંદાજે ૩૦ લાખ બાળકો અને કિશોરો એવા છે જે દારૂના નશાની પકડમાં છે. એ જ રીતે ૧૮થી ૭૫ વર્ષના વયજૂથમાં દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા ૧૫.૧૦ કરોડ છે.

આ બાજુ ૧૦થી ૧૭ વર્ષના વયજૂથમાં અંદાજે ૪૦ લાખ બાળકો અને કિશોરો અફીણનો નશો કરે છે. આ વયજૂથમાં ભાંગનો નશો કરનારા લોકોની સંખ્યા ૨૦ લાખ છે. સર્વે મુજબ અંદાજે ૫૦ લાખ બાળકો અને કિશોરો ઉત્તેજક પદાર્થો તથા સૂંદ્યીને કે કશ દવારા લેનારા માદક પદાર્થોનું સેવન કરે છે. જયારે બે લાખ બાળકો કોકિન અને ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન એ ચર્ચા અને સમસ્યા  અનેકવાર સામે આવી છે કે કિશોર અવસ્થામાં પહોંચતા સુધીમાં તો બાળકો ખુબ આક્રમક બની જાય છે. હકીકતમાં મોટા પાયે કિશોરો કોઈને કોઈ નશાની ચુંગલમાં સપડાયેલા છે. જેનું એક કારણ બાળકોને ભાવનાત્મક સપોર્ટ ન મળવો પણ છે.

અનેકવાર દ્યરમાં બાળકોને માતા પિતાનો પ્રેમ, હૂંફ ન મળતા તેઓ નશા તરફ ધકેલાય છે. બીજી બાજુ તેમનું મોટા થવાની પ્રવૃત્તિ અને માનસિક દબાણ પણ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે તેઓ નશાની ચુંગલમાં સપડાઈ રહ્યા છે. મોટાભાગે જોવા મળ્યુ છે કે ઘર પરિવારમાં કોઈ ને કોઈ વ્યકિત નશો કરતો હોય છે અને આવી સ્થિતિમાં કિશોરો પણ નશામાં સપડાતા હોય છે.(૨૩.૭)

બાળકો

. ૫૦ લાખ બાળકો સુંઘીને કે કશ થકી લ્યે છે નશો

. ૪૦ લાખ અફીણ લ્યે છે

. ૩૦ લાખ બાળકો દારૂ પીવે છે

. ૨૦ લાખ ભાંગના વ્યસની

. ૮ લાખ કોકેન કે ઉત્તેજના વાળા પદાર્થ લ્યે છે

વ્યસ્કો

. ૧૫.૧૦ કરોડ લોકો દારૂના વ્યસની

. ૨.૯૦ કરોડ ભાંગ પીવે છે

. ૧૦.૯૦ કરોડ અફીણના ગુલામ

. ૨૦ લાખ ઉત્તેજનાવાળા પદાર્થ લ્યે છે

.૧૦ લાખ કોકેન લ્યે છે

(11:23 am IST)