Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

એક અભ્યાસમાં ખુલાસો

ચિંતાજનક... કોરોનાને હરાવનારા લોકોની યાદશકિતને અસર થઇ રહી છે

નવી દિલ્હી તા. ૨૮ : કોરોનાથી સાજા થયા બાદ લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. જેમાં કેટલાક દર્દીઓમાં ભૂલવાની બિમારી જોવા મળી રહી છે. ડોકટરોનું કહેવું છે કે આને પોસ્ટ કોવિડ સિમ્પટમ કહેવામાં આવે છે. જેનાથી દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ જેટલું વધારે હોય છે. તેટલા વધારે લક્ષણ તેમના ઠીક થયા બાદ જોવા મળે છે.

રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડોકટર અજીત જૈન જણાવે છે કે કોરોનામાંથી સાજા થયા બાદ લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પોસ્ટ કોવિડ કલીનિકમાં સારવાર માટે આવેલા ૨૫૦ લોકોમાં ૮૦ લોકોમાં ન્યૂરો સમસ્યા જોવા મળી છે. જેમાં લગભગ ૨૦ ટકા લોકો એવા છે જેમાં ભૂલવાની સમસ્યા છે.

તેમણે કહ્યું કે અનેક વાર એવું બને છે કે લોકોની નસોમાં લકવો થઈ જાય છે. કયારેક કયારેક આ દિમાગ પર અસર કરે છે. જેમાં યાદશકિતને અસર થાય છે. જે દર્દીઓના સંક્રમિત હોવા દરમિયાન મગજ પર સોજો આવવાની સમસ્યા હોય છે તેમાં આ લક્ષણો વધારે જોવા મળ્યા છે. સાજા થયા બાદ ૭૦ ટકા લોકોમાં નબળાઈ અને ચક્કર આવવાની સામાન્ય સમસ્યા છે.

ડોકટરના જણાવ્યાનુંસાર એવું થવું કોઈ નવી વાત નથી. આવું બીજા વાયરસમાં પણ થાય છે. એપોલો હોસ્પિટલમાં ડોકટર યશ ગુલાટી જણાવે છે કે વાયરસ સામે લડવા માટે શરીરમાં બનેલી એન્ટીજન રોગ પ્રતિકારક તંત્રમાં આ પ્રકારનો બદલાવ આવી જાય છે .જેનાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે પ્રતિક્રિયા કરવા લાગે છે.

આ કારણે તાવ, શરીર દુખાવો અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી ચિકનગુનિયામાં ૮થી ૧૦ દિવસ તાવ રહ્યા બાદ સાજા થઈ જાય છે પરંતુ તેમાંથી અનેક દર્દીઓમાં સાંધાનો દુખાવો અને શરીરમાં દુખાવો અનેક મહિનાઓ સુધી રહે છે.

(10:07 am IST)