Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભાજપની નવી ટીમ બાદ હવે મંત્રીમંડળનાં વિસ્તરણની તૈયારી

બિહારની ચૂંટણી પહેલા કે પછી? જબરી ચર્ચાઃ મંત્રીમંડળમાં કેટલાક પદ ખાલી પડયા છેઃ હાલ ૫૪ મંત્રી છેઃ ૧૬ જેટલી જગ્યા ભરી શકાય તેમ છેઃ કેટલાક નવા ચહેરા આવશે તો કેટલાકના ખાતા પણ બદલાશે

નવી દિલ્હી, તા.૨૮: ભારતીય જનતા પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની ઘોષણા બાદ હવે તમામની નજર મોદી સરકારના આગામી કેબિનેટ વિસ્તરણ પર છે. સંગઠનમાં કામ કરતા નેતાઓની ભૂમિકા સ્પષ્ટ કર્યા બાદ સરકારમાં ચહેરાઓને સામેલ કરવાનું નક્કી કરવું વધુ સરળ બન્યું છે. ભાજપમાં મંત્રીમંડળનું વિસ્તરણ કયારે થશે? તેને લઇ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. પાર્ટીમાં બે પ્રકારની ચર્ચાઓ થાય છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે કેબિનેટનું વિસ્તરણ જલદીથી થશે જયારે કેટલાક નેતાઓ કહે છે કે બિહાર ચૂંટણી પછી થશે.

જો બિહારની ચૂંટણીની રાહ જોવામાં આવે તો ૧૦ નવેમ્બર પછી જ કેબિનેટનું વિસ્તરણ શકય બનશે. ૩૦ મે ૨૦૧૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીજી ટર્મ માટે શપથ લીધા હતા. ત્યારબાદ ૧૬ મહિના પછી પણ પ્રથમ કેબિનેટ વિસ્તરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. જયારે નવેમ્બર ૨૦૧૪ માં વડાપ્રધાને મે ૨૦૧૪માં સરકાર બનાવ્યાના છ મહિના પછી ૯ નવેમ્બરના રોજ પોતાનું પહેલું પ્રધાનમંડળ વધાર્યું હતું. જો કે, શનિવારે ભાજપની નવી ૭૦ સભ્યોની દ્યોષણા બાદ હવે કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ બની ગઇ છે.

ભાજપના એક નેતાએ કહ્યું કે બે મંત્રીઓના રાજીનામા અને એક મંત્રીના અવસાન બાદ એક વર્ષમાં કુલ ત્રણ પદ ખાલી છે. આવી સ્થિતિમાં મંત્રી પરિષદનું વિસ્તરણ જરૂરી બન્યું છે. તે કયારે થશે તે વિશે કંઈ કહી શકાય નહીં પરંતુ તે ઝડપથી થશે. સંગઠનની બહારના લોકોને તક મળી શકે છે ભાજપ સંગઠનમાંથી ઘણા મોટા ચહેરાઓ બાકી રહ્યા છે. તેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ર્બુદ્ઘે, રાષ્ટ્રીય મહામંત્રી ડો.અનીલ જૈન, રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેય, રામ માધવ, પી.મુરલીધર રાવ સામેલ છે.

એવી અટકળો છે કે સંગઠનમાંથી બહાર થયેલા લોકોને જગ્યા મળી શકે છે, જે રાજયસભાના સભ્ય છેય વિનય સહસ્ર્બુદ્ઘે, ડો.અનિલ જૈન અને સરોજ પાંડેય રાજયસભાના સભ્યો છે. આવી સ્થિતિમાં પાર્ટીએ તેમને મંત્રી બનાવવા ખૂબ જ સહેલા છે. જયારે હાઇ પ્રોફાઇલના ચહેરાઓ રામ માધવ અને પી. મુરલીધર રાવ જેઓ ભાજપના સંગઠનમાંથી બહાર છે તેઓ રાજયસભાના સભ્યો નથી. આવી સ્થિતિમાં તેમને મંત્રી ત્યારે બનાવી શકાય છે જયારે પાર્ટી તેમના માટે રાજયસભા સીટોની પણ વ્યવસ્થા કરે.

રાજયસભા બેઠકોની વાત કરીએ તો નવેમ્બરમાં ઉત્ત્।ર પ્રદેશમાં રાજયસભાની કુલ ૧૦ બેઠકો ખાલી પડી રહી છે. એક વર્ષમાં ત્રણ પદ ખાલી મે,૨૦૧૯માં બીજી વખત મોદી સરકાર બન્યા બાદથી અત્યાર સુધીમાં ત્રણ મંત્રીઓના પદ ખાલી થઇ ચૂકયા છે. નવેમ્બર ૨૦૧૯માં એનડીએ સાથેના સંબંધો તૂટવા પર શિવસેનાના નેતા અરવિંદ સાવંતે મોદી સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ વર્ષે ખેડૂત બિલોના વિરોધ પર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પણ અકાલી દળના કવોટામાંથી રાજીનામું આપી દીધું છે. હરસિમરત કૌરે ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું.

તો રેલવે રાજય મંત્રી સુરેશ આંગડીનું ૨૩ સપ્ટેમ્બરના રોજ કોવિડ-૧૯ થી અવસાન થયું હતું. આમ, બે મંત્રીઓના રાજીનામા અને એક મંત્રીના મોતથી વર્તમાન મંત્રી પરિષદમાં ત્રણ પદ ખાલી થઈ ગયા છે. સરકારમાં કેટલા મંત્રી બની શકે છે? લોકસભાની કુલ સભ્ય સંખ્યાના ૧૫ ટકા એટલે કે વધુમાં વધુ ૮૧ મંત્રી કેન્દ્ર સરકારમાં બની શકે છે. જો વડાપ્રધાન મોદી 'મિનિમમ ગવર્નમેન્ટ, મેકિસમમ ગવર્નસ'પર જોર આપે છે. એવામાં તેમણે ૨૦૧૪-૨૦૧૯ના પહેલાં કાર્યકાળમાં વધુમાં વધુ ૭૦ મંત્રીઓ સાથે જ કામ કર્યુ હતું.

૩૦ મે, ૨૦૧૯ના રોજ વડાપ્રધાન મોદીએ ૨૪ કેબનિચ, ૯ રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર અને ૨૪ રાજયમંત્રી સહિત ૫૭ મંત્રીઓની સાથે બીજી ટર્મ માટે શપથ લીધા હતા. તેમાંથી ત્રણ મંત્રીઓનું પદ ખાલી થઇ ચૂકયું છે. આમ હાલમાં મોદી સરકારની કેબિનેટમાં ૫૪ મંત્રી છે. જો વડાપ્રધાન મોદી પાછલી વખતની જેમ આ વખતે પણ ૭૦ મંત્રી પોતાની મંત્રીપરિષદમાં રાખશે તો કુલ ૧૬ નવા મંત્રીઓની જગ્યા બને છે. જો વધુમાં વધુ ૮૧ મંત્રી બનાવા માંગશે તો પછી બીજા ૧૧ મંત્રીઓનો અવકાશ રહેશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી પાછલા કાર્યકાળની જેમ મંત્રીપરિષદનો આકાર રાખવા માંગશે.

(10:06 am IST)