Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઇમરાન ખાનના વિમાનનું ન્યૂયોર્ક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ

ટેકનીકલ ખામીને કારણે ફલાઇટને ટોરન્ટોથી ન્યૂયોર્ક પરત બોલાવવામાં આવી હતી, ટેકનીકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન ન્યૂયોર્કમાં જ રહેશે

ન્યૂયોર્ક, તા.૨૮: અમેરિકાથી પરત ફરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. પાકિસ્તાનની ચેનલ જીઓ ટીવીના જણાવ્યા પ્રમાણે, એન્જીનમાં આવેલી ટેકનીકલ ખામીને કારણ ફલાઇટને ન્યૂયોર્ક એરપોર્ટ પર ફરીથી ઉતારવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ કોઈ ચિંતાની વાત નથી.

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટેકનીકલ ખામીને કારણે ફલાઇટને ટોરન્ટોથી પરત ન્યૂયોર્ક મોકલવામાં આવી છે. ટેકનીકલ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે કેટલો સમય લાગશે તેની કોઈ માહિતી મળી નથી. હવે ટેકનીકલ સમસ્યા દૂર થયા બાદ જ ઇમરાન ખાન પાકિસ્તાન પરત ફરી શકશે, ત્યાં સુધી તેઓ ન્યૂયોર્કમાં જ રહેશે.

ન્યૂયોર્કના જહોન એફ કેનેડી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ બાદ ઇમરાન ખાનને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇમરાન ખાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની માલિકીના વિમાનમાં પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા. તેઓ ક્રાઉન પ્રિન્સના વિમાનમાં જ અમેરિકા પહોંચ્યા હતા. તેઓ સાઉદી અરેબિયામાંથી અમેરિકા જવા માટે રવાના થયા હતા.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુએનની સામાન્ય સભામાં હાજરી આપવા માટે અમેરિકા પહોંચ્યા હતા. ૨૭મી તારીખે તેમણે યુએનની સામાન્ય સભાને સંબોધન કર્યું હતું. અહીં તેમણે ઇસ્લામફોબિયા જમ્મુ-કાશ્મીર મુદ્દે ભાષણ આપ્યું હતું.

(3:44 pm IST)