Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દિવાળી 'ટોપા' પહેરીને નહિ ઉજવવી પડે ? હેલ્મેટ-પીયૂસીની મુદ્દત વધારવાની વિચારણા

૧૫ ઓકટોબરે મુદ્દત પુરી થાય છે પણ હજુ સરકાર કક્ષાએ સંતોષકારક વ્યવસ્થા ગોઠવાયેલ નથી, ૨૧ ઓકટોબરે ૬ પેટાચૂંટણી છે

રાજકોટ, તા. ૨૮ :. રાજ્ય સરકારે કેન્દ્રના નવા ટ્રાફિકના કાયદાનો દંડમાં રાહત સાથે ૧૬ સપ્ટેમ્બરથી અમલ કર્યા બાદ લોકોનો રોષ ભભુકી ઉઠતા ત્રણેક દિવસમાં હેલ્મેટ અને પીયૂસીના અમલમાં એક મહિનાની મુકિત આપેલ. તે મુદત આવતી ૧૫ ઓકટોબરે પુરી થઈ રહી છે. હજુ હેલ્મેટ અને પીયૂસીની બાબતમાં સરકાર કક્ષાએ સંતોષકારક વ્યવસ્થા ગોઠવાયેલ ન હોવાથી ફરી જનઆક્રોશ ન ભભુકે તે માટે દિવાળીના તહેવારોમાં આ મુકિતની મુદત લંબાવવા ગંભીરતાથી વિચારણા થઈ રહ્યાનું સરકારી સૂત્રો જણાવે છે. જો ૧૫ ઓકટોબર પછી હેલ્મેટ અને પીયૂસીમાં છુટછાટ લંબાવાશે તો દિવાળી ટોપા વગર જ ઉજવી શકાશે. ૨૭ ઓકટોબરે દિવાળી છે. તે પૂર્વે ૨૧ ઓકટોબરે ખેરાલુ, રાધનપુર, બાયડ, લુણાવાડા, અમરાઈવાડી વગેરે વિસ્તારોમાં વિધાનસભાની પેટાચૂંટણી છે. મુદ્દત લંબાવવા માટે પેટાચૂંટણી સબળ રાજકીય કારણ બની શકે છે.

સરકારે કેન્દ્રના દંડમાં રાહત આપેલ તે મુજબ નવા કાયદાના અમલ પછી કોઈ વાહન ચાલક લાયસન્સ, વાહનનો વિમો, પીયૂસી, આર.સી. બુક વિગેરે દસ્તાવેજ વગર વાહન ચલાવતા પકડાઈ તો સ્થળ પર પ્રથમ વખત રૂ. ૫૦૦ અને બીજી વખતથી રૂ. ૧૦૦૦ દંડની જોગવાઈ કરવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ માટે તેમજ કાચ પર કાળી ફિલ્મ લગાવવાના અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના ગુન્હામાં પણ રાજ્ય સરકારે ઉપર મુજબના દંડની જોગવાઈ રાખી છે. હેલ્મેટ ન પહેરેલ હોય તો રૂ. ૫૦૦નો દંડ દર વખતે થવા પાત્ર થશે. સીટ બેલ્ટ ન પહેરવાના કિસ્સામાં પણ રૂ. ૫૦૦ના દંડની જોગવાઈ છે. આ બધા દર રાજ્ય સરકારે રાહત જાહેર કર્યા મુજબના છે. હવે પછી નવુ ટુ વ્હીલર ખરીેદે તેને વિતરક તરફથી માન્ય પ્રકારની હેલ્મેટ વિનામૂલ્યે આપવાની સરકારે સૂચના આપી છે. 

૧૬ સપ્ટેમ્બરે નવો કાયદો અમલમાં આવ્યા બાદ હેલ્મેટ ખરીદવા પડાપડી થયેલ. રેંકડીઓમાં અને ફુટપાથ પર હેલ્મેટ વેચાવા લાગેલ. પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટીફીકેટ કઢાવવા લાઈનો લાગેલ. લોકોમાં અફડાતફડી મચેલી જોઈ રાજ્ય સરકારે ત્રણ જ દિવસમાં હેલ્મેટ અને પીયૂસી બાબતનો અમલ ૧૫ ઓકટોબર સુધી મોકુફ રાખવાની જાહેરાત કરેલ. સરકારે નવા ૯૦૦ પીયૂસી કેન્દ્રો ખોલવાનું જાહેર કરેલ તે હજુ શરૂ થઈ શકયા નથી. સરકાર કક્ષાએ સંતોષકારક વ્યવસ્થા ગોઠવાયેલ ન હોવાથી જો ૧૬ ઓકટોબરથી નવા કાયદાનો અમલ કરવામાં આવે તો ફરીથી તહેવારો ટાણે જ લોકોનો આક્રોશ સામે આવે તેવી સંભાવનાને ધ્યાને રાખીને સરકાર કક્ષાએ ૧૫ ઓકટોબર પછી પણ મુદત લંબાવવા વિચારણા થઈ રહ્યાનું આધારભૂત વર્તુળો જણાવે છે. જો મુદત લંબાવવાની હશે તો ૧૫ ઓકટોબરની નજીકના અરસામાં જ તેની જાહેરાત કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. સરકાર હાલની કથીત વિચારણા મુજબ હેલ્મેટ અને પીયૂસીની મુદત લંબાવે છે કે ૧૬ ઓકટોબરથી અમલ શરૂ કરે છે ? તેની સત્તાવાર સ્પષ્ટતા માટે થોડા દિવસો રાહ જોવી પડશે.

(3:39 pm IST)