Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગુજરાતની આગવી ઓળખ ગરબો...

નવરાત્રિના પાવન પર્વનો ભાવિકોમાં અનેરો દબદબો...: ગરબાની ઉત્પતિથી કથા-શ્રીકૃષ્ણની પુત્રવધુ અને દ્વારિકાનગરની ગોપી 'ઉષા' સાથે સંકળાયેલ હોવાની માન્યતા... ગુજરાતની પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય એટલે જ ગરબો... હ્યુસ્ટનમાં મોદીના હાઉડી કાર્યક્રમમાં પણ જોવા મળી ગરબાની ઝલક

મા આદ્યશકિતની ઉપાસનાનું પાવન પર્વ એટલે નવરાત્રી... આપણા ભારત વર્ષમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા તહેવારોમાં નવરાત્રી અનેરૂ સ્થાન ધરાવે છે.

મંગલકારી પર્વ એટલે નવરાત્રિ... ભકિત અને શકિતના સમન્વયનું પર્વ એટલે નવરાત્રી... ધર્મો ઉલ્લાસના નવરંગોથી મઢેલું પાવન પર્વ એટલે નવરાત્રી... અબાલ... વૃધ્ધ સૌ કોઇ ઉજવવા આતુર હોય એવું પર્વ એટલે નવરાત્રી... નવ-નવ દિવસ સુધી મા ની આરાધનાનું ચાલતુ પર્વ એટલે જ નવરાત્રી...

આપણે ત્યાં વર્ષ દરમ્યાન કુલ ચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર માસની   નવરાત્રી... અને આસો માસની શારદીય નવરાત્રી..

એમ બે પ્રચલિત નવરાત્રી ઉપરાંત અષાઢ અને મહા માસમાં ગુપ્ત નવરાત્રી આવે છે. આ ચારેય નવરાત્રીઓ પૈકી આપણે ત્યાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

પ્રત્યેક વર્ષના આસો માસના શુકલપક્ષના પ્રતિપદાથી ઉજવાતો નવરાત્રી આદ્ય શકિતનો ઉત્સવ આ વર્ષે ર૯ મી સપ્ટેમ્બરને રવિવારથી પ્રારંભ થશે. જે ૭ મી ઓકટોબરને સોમવારે પુર્ણ થશે. અને ૮ મી ઓકટોબર ર૦૧૯ ને મંગળવારે દશેરાની ઉજવણી કરાશે. આ પર્વ વેળાએ અનેક વાંચકોના મનમાં સવાલ જાગે કે આ ગરબાની ઉત્પતિ કયાંથી થઇ હશે... ? કેવી રીતે થઇ હશે...?

આ વેળાએ આપણે ગર્વથી કહી શકીએ કે ગુજરાતની આગવી ઓળખ એટલે જ ગરબો... કહેવાય છે કે ગરબાની ઉત્પતિની કથા ભગવાન શ્રીકૃષ્ણની પુત્રવધુ અને દ્વારકાનગરીની ગોપી 'ઉષા' સાથે સંકળાયેલ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પુત્રવધુ ઉષાએ દ્વારિકાનગરની ગોપી હતી. અને તેમણે ગરબા શીખવવા એ ગરબા ગોપીઓએ સૌરાષ્ટ્રના સ્ત્રી વર્ગમાં પ્રચલિત કર્યા અને આ રીતે સૌરાષ્ટ્રની સ્ત્રીઓ દ્વારા ગામેગામ ગરબા પ્રસિધ્ધ થયા.

ગરબાની ઉત્પતિ અંગેની અન્ય એક માન્યતા અનુસાર  જે સ્ત્રીઓને બાળકો થતા ના હોય તે સ્ત્રીઓ ગર્ભદીપને માથે લઇને માતાજીની મૂર્તિની પ્રદક્ષિણા કરે આ પ્રદક્ષિણાની ધાર્મિક વિધીમાંથી ગોળાકાર વર્તુળ થવાને કારણે ગરબાનો જન્મ થયાનું મનાય છે.

ગરબોએ ગુજરાતના અતિપ્રાચિન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. ગરબો શકિત પુજા સાથે સવિશેષ સંકળાયેલો છે. ગરબા શબ્દની ઉત્પતિ ગર્ભદીપ માંથી થઇ હોવાનું મનાય છે. આપણા ગુજરાતની બહેનો ગરબામાં માતાજીની જયોત મુકીને ઘુમે છે. ત્યારે જાણે ધરતી ઉપર ચાંદરડાવાળું આકાશ આવી ગયુ હોય તેમ લાગે છે...

ખરેખર, ગરબોએ આપણી સંસ્કૃતિની મહામુલી મુડી છે. અને ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય છે.

(11:01 am IST)