Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યા દેવી સર્વભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમઃસ્તસ્યૈ નમો નમઃ

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી મા... ગગનકેરી ગોખ આવી નોરતાની રાત...

કાલથી આસો નવરાત્રિનો મંગલારંભઃ ભાવીકોના હૈયે વ્રત, તપ, જપ, અનુષ્ઠાન, પૂજા, દર્શન કરવા ભકિતભીનો તલસાટઃ શહેરી ચોક બનશે હવે ચાચર ચોક, દોહા, છંદ, સ્તુતી, ગરબા, ઢોલના ધબકારે જામશે રાસની રમઝટ

જય માતાજી.... જગત જનની આદ્યશકિતની આરાધનાનું મહામંગલ પર્વ આસો નવરાત્રી...... આસો નવરાત્રીનું આવતીકાલથી મંગલારંભ થઈ રહ્યો છે ત્યારે સૌ ભાવિકોના હૈયામાં ભકિતભીનો તલસાટ સાથે આનંદના અબીલ - ગુલાલ સાથે જગદંબાની આરાધનામાં તરબોળ થશે.

આવતીકાલથી સવારથી અને સમી સાંજે ચોકે ચોકે અને ઘરે ઘરમાં ગવાશે મામ્પાહીઓમ ભગવતી ભવદુઃખ કાપોનું મંગલગાન થશે. આસો સુદ એકમથી આદ્યશકિતની ઉપાસનાના મંગલારંભથી જ સતત નવ દિવસ ભાવિકો વ્રત, તપ, જપ, અનુષ્ઠાન સહિતના ધર્મભીના મંગલકાર્યોમાં વ્યસ્ત થશે અને સમી સાંજે શહેરના ચોક ચાચર ચોક બની રોશનીના જગમગાટ, ધૂપ, દીવા, આરતી, દુહા - છંદ, સ્તુતિ ગરબાના સંગ, ઢોલ - મંજીરા, કર્ણપ્રિય નાદ સાથે અલૌકિક માહોલ સર્જાશે અને ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ભારતીય સંસ્કૃતિમાં ચાર નવરાત્રીનો મહિમા અપરંપાર ગવાયો છે જેમાં મહા ચૈત્ર, અષાઢ અને આસો માસની નવરાત્રી તેમાંય આદ્યશકિતની આરાધના માટે આસો નવરાત્રીનું મહત્વ વિશેષ છે. આસો નવરાત્રી માત્ર દેશ નહિં વિદેશોમાં પણ દેવી ઉપાસક પરિવારો દ્વારા ભકિત, શ્રદ્ધાપૂર્વક ઘટ્ટસ્થાપન માતાજીની પૂજા, આરાધના, સવાર સાંજ આરતી, મંગળ ગીતો, ગરબા ખૂબ ગવાય છે. આસો નવરાત્રીમાં તો સમી સાંજ પડતા જ ભકિતનો દિવ્ય તેજ ખૂબ પ્રજવલિત થાય છે અને સમગ્ર નવ - રાત્રી દિવ્ય વાતાવરણથી તેજોમય બની જાય છે.

ગરબી મંડળની બાળાઓ તાલીરાસ, ડાંડિયા રાસ, ખંજરી રાસ, મહિષા સુર રાસ, મંજીરા રાસ, ટીપ્પણી રાસ, શ્રીકૃષ્ણ રાસ, માડી તારા અઘોર નગારા વાગે રાસ, બેડા રાસ, ત્રિશુલ રાસ, ઉલાળિયો રાસ, તલવાર રાસની રમઝટ બોલાવશે.

ગરબે ઘૂમતી બાળાઓને દાતાઓ અને આયોજકો તેમની શકિત મુજબ પ્રસાદી અને કિંમતી લ્હાણીઓનું વિતરણ કરીને ધન્ય થશે.  પ્રાચિન ગરબી મંડળની બાળાઓ અવનવા રાસની રમઝટ બોલાવશે તો સામે યુવાનો પણ ધમાકેદાર સંગીતના સથવારે જોમ અને જુસ્સાથી આધુનિક તેમજ પ્રાચિન ગરબા ઉપરાંત ફિલ્મી ગીતો ઉપર ઝુમશે.

નવરાત્રિ દરમ્યાન નયનરમ્ય વસ્ત્રોમાં સજ્જ બની ખેલૈયાઓ હજારોની કિંમતના સીઝન પાસ લઇ નવરાત્રિ મહોત્સવ માણવા ઉત્સાહીત છે. અર્વાચિન રાસોત્સવમાં આયોજકો ખેલૈયાઓને આકર્ષવા ચુનંદા કલાકારો, ગાયકોની ફૌજ અને લાખેણા ઇનામો ઉપરાંત સોના-ચાંદી, હિરાની કિંમતી ઉપહારોની વિશાળ શ્રેણી રજૂ કરશે. હવે તો રાત પડે ને જાણે દિવસ ઉગે તેમ માનવ મહેરામણ ઉમટી પડશે.

માં આદ્યાશકિતની આરાધનાનું મહત્વ અનેરૂ અને અદકેરૂ છે. પૌરાણીક માન્યતા અનુસાર સચરાચર સૃષ્ટિનો મૂળ આધાર અને પ્રકૃતિ અને બ્રહ્માજીને માનવામાં આવે છે. પ્રકૃતિનો મૂળ અર્થ આદ્યશકિત થાય છે, જ્યારે ભકતો ઉપર કોઈ વિપદા આવે છે ત્યારે માં આદ્ય શકિત અંબા જ તેને ઉગારે છે. મનુષ્ય તો ઠીક દેવગણો ઉપર પણ જ્યારે વિપદા આવે છે ત્યારે માં આદ્યાશકિત અંબા જ તેને ઉગારે છે. મહીષાસુરના વધના પ્રસંગમાં અસુરોથી પરાજીત દેવગણ દુઃખ નાશની, અસ્ત્રધારીણી માં દુર્ગાને જ યાદ કરે છે. દેવતાઓના કરૂણ પોકાર સાંભળીને માં તેમનું રક્ષણ કરવા દોેડી આવે છે અને ઋષિ સહિત દેવોને રંજાડનાર મહીષાસુરનો વધ કરે છે.

આ રીતે જ્યારે જ્યારે દેવી શકિત પર આસુરી શકિતનો દુષ્પ્રભાવ વર્તાય છે ત્યારે દુર્ગા શકિત એ જ તેનો સંહાર કરીને દેવતાઓને રક્ષિત કર્યા છે. આ પ્રસંગ જ દર્શાવે છે કે માં દુર્ગા શકિત જ સર્વોપરી છે. જે મનુષ્યને જ નહીં પરંતુ દેવતાઓનું રક્ષણ કરવામાં પણ સક્ષમ છે. માં આદ્યાશકિત ભકતના દરેક કષ્ટને નિવારે છે પણ જો તે ભકત માં ના ચરણમાં શરણાગતિ લે...' તારે તો પણ તું અને મારે તો પણ તું જ...' બસ આ જ ભાવથી જ જો માં ના શરણે જવામાં આવે તો માં અવશ્ય તારી દયે છે.

સમસ્ત અમંગળનો નાશ કરનારી, સમસ્ત બંધનોને કાપીને દુઃખોને હરનારી માં ખરેખર કરૂણામયી છે. શકિત સ્વરૂપમાં માં ભગવતીની પૂજા, આરાધના, ઉપાસના કરવાથી બધા જ મનોરથ સિદ્ધ થાય છે. જેની આરાધના દેવ, દાનવો, દુષ્ટો, પક્ષ, ગાંધર્વ અને કિન્નર જ નહી મહાશકિત સંપન્ન ત્રિદેવ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કરે છે, એટલુ જ નહીં, ઋષિમુનીઓ અને સાધુ-સંતો પણ હંમેશા શકિતનું ધ્યાન ધરે છે.

માં શકિતની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી... અને આ પર્વની આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.

આપણું સમગ્ર ભારત વર્ષ ઉત્સવો અને તહેવારોની પાવન ભુમી છે. સામાજીક-રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવો જાણે ભારતનું અભિન્ન અંગ છે અને કદાચ  ધાર્મિક ઉત્સવો જ સમગ્ર ભારતને એક તાંતણે સુગ્રંથીત કરે છે.  ભારતમાં ઉજવાતા દરેક તહેવારનું ભાતીગળ અને અલગ-અલગ મહાત્મય રહેલું છે. કોઇ પણ તહેવારની ઉજવણીની પાછળ કાંઇક પ્રેરકબળ કે કોઇ પૌરાણીક માન્યતા સંકળાયેલ હોય જ છે. દૈવી શકિતના આસુરી શકિત ઉપરના વિજયનો પર્વ એટલે નવરાત્રી... આ પર્વ સાથે સંકળાયેલ પૌરાણીક માન્યતાને આપણે જોઇએ તો.  કહેવાય છે કે મહિષાસુર નામના એક રાક્ષસે જપ તપ દ્વારા ભગવાન પાસેથી વરદાન મેળવી લીધુ અને ઋષિમુનીઓ સહિત સૌને રંજાડવાનું શરૂ કર્યુ. માનવીઓ તો ઠીક દેવો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

આ સ્થિતિમાં બધા દેવો એકઠા થઇ ભગવાન શ્રી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે પહોંચી દુર્દશાની વિતક કથા વર્ણવી. આ સાંભળી ત્રણેય દેવોનો રોષ ભભુકી ઉઠયો.

ભગવાનશ્રી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોના ક્રોધાયમાન મુખમાંથી મહાતેજ નિકળ્યું અને આ સમયે જ સુર્ય, ચંદ્ર, યમ જેવા દેવોના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટયું અને આ બધા દેવોના મહાતેજમાંથી એક અનન્ય તેજ પુંજ રચાયો અને આ મહાતેજમાંથી પ્રગટી એક નારી શકિત. કહેવાય છે કે ભગવાન શ્રી શંકરના મુખમાંથી નીકળેલા તેજમાંથી બન્યુ માં શકિતનું મુખ. તો ભગવાન શ્રી વિષ્ણુના તેજમાંથી ઘડાયા માં શકિતના બાહુ તો યમના તેજમાંથી ગંુથાયો માં શકિતનો કેશકલાપ. તો ભગવાન બ્રહ્માના તેજમાંથી ઘડાયા માં શકિતના પગ.

આ ઉપરાંત ભગવાન શ્રી સુર્યના તેજથી માં શકિતના પગના આંગળા ઘડાયા. તો અગ્નિદેવે આપી માં શકિતને આંખ. અનિલના તેજથી ઘડાયા માં શકિતના કાન. આ ઉપરાંત આ સાથે અન્ય દેવોએ પણ માં શકિતના બાકીના અંગો પાંગો ઘડવા માટે આપ્યું પોતાનું તેજ.

સર્વ દેવોના એકત્ર થયેલા તેજમાંથી દૈવી શકિતની ઉત્પતિ થઈ..માં શકિતનો દેહ તો ઘડાયો પરંતુ આયુધોનું શું... ?

આ વેળાએ ભગવાન શંકરે માં શકિતને ત્રિશુલ આપ્યું...તો ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યુ.. વરૂણે શંખ અને બાણથી ભરેલા બે ભાથા આપ્યા. ઈન્દ્રએ વૃજ આપ્યુ, જળદેવતા અંબુપતિએ પાશ આપ્યો, યમે દંડ આપ્યો તો અગ્નિએ આપી શકિત...

આ ઉપરાંત ભગવાન શ્રી બ્રહ્માએ અક્ષરમાળા અને કમંડળ આપ્યા, કામદેવે ચર્મના ઢાલ અને ખડગ આપ્યા. તેમજ આભૂષણો પણ આપ્યા તો ભગવાન વિશ્વકર્મા પાસેથી માં શકિતને મળ્યા પરશુ, કવચ અને કમળમાળા તો હિમવાન પાસેથી મળ્યા રત્નો અને સિંહનું વાહન.

ભગવાન શ્રી કુબેર પાસેથી મળ્યુ સુરાપાત્ર તો શેષનાગ લઈ આવ્યા નાગહાર અને મહામણી આમ અનેક દેવોએ માં શકિતને શસ્ત્રો શોભા અને આભા આપી. આ વેળાએ માં શકિત પ્રસન્ન થઈ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. માં શકિતના આ અટ્ટહાસ્યથી આકાશ અને પાતાળ ધ્રુજી ઉઠયા. ખળભળી ઉઠયા સમુદ્રો.. આ દ્રશ્ય જોઈ સૌ દેવોએ દેવીનો જય જયકાર બોલાવ્યો.. માં શકિતએ અસુરો સામે યુદ્ધ આરંભ્યું...

મહિષાસુરે માંની આભા જોઈ પોતાના પક્ષે મદદ માટે ધા નાખી ત્યારે ઉદગ્ર હજારો રથ લઈને અસુર પક્ષે લડવા આવ્યો. આ ઉપરાંત મહાદુનુ, પરિવાદિત, ભાંડીપાલ, મુશલ, તોમર અને સંકુલ નામના અસુરો પણ પોતપોતાની શકિતઓ સાથે મહિષાસુરના પક્ષે આવી ઉભા રહ્યા.

ભીષણ યુદ્ધ ખેલાયુ અને માં શકિતએ તો જાણે શરૂ કર્યુ તાંડવ નૃત્ય... માં શકિતએ કેટલાય અસુરોને ત્રિશુલથી તો કેટલાય અસુરોને દંડથી હણી નાંખ્યા અનેક અસુરોને પાર્થ વડે માં શકિતએ બંદી બનાવ્યા.

ધીમે ધીમે મહિષાસુરના સૈન્યનો પરાભાવ થવા લાગ્યો, સૈન્યના મોટાભાગના સેનાપતિઓ અને સાથી અસુરોનો કરૂણ સંહાર થયો. આ વેળાએ મહિષાસુરે એક કિમીયો ઘડયો...મહિષાસુરે પોતે પાડાનું મહાભયંકર... રૂપ ધારણ કરી માં શકિતની સામે ધસી આવ્યો.. ત્યાર બાદ સિંહનુ રૂપ ધારણ કર્યુ.. ત્યાર બાદ હાથીનું રૂપ ધારણ કર્યુ ત્યાર બાદ મનુષ્યનું રૂપ ધારણ કર્યુ અને ફરી પાડાનું રૂપ ધારણ કર્યુ. દરેક સ્વરૂપમાં મહિષાસુરને માં શકિતએ હરાવ્યો.

અને આખરે માં શકિતએ તેમને એક પગ વડે ભોંય સરસો ચાંપી અને તેની છાતીમાં ત્રિશુલ ભોંકી ખડગ વડે મહિષાસુરનું મસ્તક  છેદી નાખ્યું... આ વેળાએ સર્વ દેવગણોએ માં શકિત ઉપર પૃષ્ટી-વૃષ્ટિ કરી આ વિજયને વધાવ્યો...

સર્વદેવ ગણોના સમુહ શકિતના પ્રતિકરૂપે માં શકિતનો જ વિજય થયો. આસુરી શકિતને ડામી દેતી અને દૈવી શકિતની પુનઃ સ્થાપના કરતી આ દૈવી શકિતએ જ માં અંબા... જગદંબા...

આસો માસની સુકલ પ્રતિપદાથી દસમ સુધી મહિષાસુર અને માં શકિત વચ્ચે યુદ્ધ ચાલેલ અને જેમાં માં શકિતનો વિજય થયેલ. ત્યારથી નવરાત્રિની ઉજવણીની પ્રણાલિકા ચાલી આવતી હોવાનું કહેવાય છે. નવરાત્રિના પાવન પર્વ સાથે આ ઉપરાંત પણ અન્ય એક પૌરાણિક માન્યતા સંકળાયેલ છે અને જે રામાયણ આધારીત છે.

કહેવાય છે કે, ભગવાન શ્રી રામચંદ્રએ માતા જાનકીને રાવણના પંજામાંથી મુકત કરવા માટે વાનર સેનાની મદદથી પૂલ બાંધ્યો હતો અને પ્રભુ શ્રી રામે ધનુષ્યનો ટંકાર કરીને રાવણ સામે યુદ્ધ આરંભ્યું.

ભગવાન શ્રી રામે નવ દિવસ સુધી લંકાધિપતિ રાવણ સાથે યુદ્ધ કરીને દશેરાના દિવસે રાવણનો સંહાર કરીને માં સીતાને રાવણની કેદમાંથી મુકત કરાવ્યા હતા અને ત્યારથી વિજયા દશમીના દિને રાવણના પુતળાદહનની પરંપરા ચાલી આવે છે.

આ માન્યતા અનુસાર પણ પવિત્ર નવરાત્રિ પર્વનું અનેરૂ અને અદકેરૂ મહત્વ જણાય છે આ છે આપણા પવિત્ર નવરાત્રિ પર્વની પૌરાણિક માન્યતાઓ...(

પોશાક બજારમાં ગ્રાહકીની રાહમાં:  વેચાણમાં તેજીની જોવાતી રાહ :

રંગબેરંગી ફૂમતાં, ભરતકામના વસ્ત્રોની માંગ વચ્ચે ખરીદી ધીમી

રાજકોટ, તા, ૨૮ : નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે પોશાક બજારમાં હજુ ખરીદી ધીમી હોવાનું મનાય છે વેચાણમાં જોઈએ એવી તેજી નહિ હોવાનું જણાવી કહીને વેપારીઓ જણાવે છે કે ગ્રાહકીમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. વેપારીના જણાવ્યા મુજબ નવરાત્રીમાં ગરબામાં પહેરવાની જવેલરીમાં ઓકસોડાઇઝ અને સિલ્વર સેટના બદલે રંગબેરંબી પરંપરાગત ભરત ભરેલા કાપડના સેટની વધુ માગ જોવા મળી રહી છે. આગવી સ્ટાઇલના નવરાત્રિ ડ્રેસ માટે યુવાનો ડિઝાઇનર્સ પાસે ધસારો કરી રહ્યા છે,બીજીતરફ પરંપરાગત બજારોમાં મંદી જોવા મળી રહી છે. વેપારીઓના કહેવા પ્રમાણે ધંધામાં પચાસ ટકાનો ઘટાડો થયો છે જેના માટે નોટબંધી અને જીએસટી જેવાં કારણો રજૂ કર્યાં હતાં.(૩૭.૪)

ટોપટેન પ્રાચીન ગરબી મંડળો

નવરાત્રી મહોત્સવ મંડળ

૧૫ જંકશન પ્લોટ

ગરૂડની ગરબી

રામનાથપરા ચોક

અંધ મહિલા ગૃહ ગરબી મંડળ

ઢેબર રોડ

શ્રી અંબીકા પાર્ક ગરબી મંડળ

અંબીકા પાર્ક, રૈયા રોડ

શ્રી નવદુર્ગા ગરબી મંડળ

કોટેચા ચોક, કાલાવડ રોડ

શ્રી ધારેશ્વર ગરબી મંડળ

ભકિતનગર સર્કલ

શ્રી ચિત્રકુટ ગરબી મંડળ

કિશાનપરા ચોક

શ્રી પવનપુત્ર ગરબી મંડળ

સોરઠીયાવાડી ચોક

શ્રી મોમાઈ ગરબી મંડળ

હનુમાન મઢી ચોક

ટોપટેન અર્વાચીન રાસોત્સવ

નીલ સીટી કલબ

સીઝન, અવધ રોડ

એક્રોલોન્સ કલબ

ડ્રાઈવ ઈન સિનેમા, કાલાવડ રોડ

સહિયર ગ્રુપ

રેસકોર્ષ મેદાન

કલબ યુવી

નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ,  રાધિકા ફાર્મ હાઉસ

સુરભી ગ્રુપ

રેસકોર્ષ

સરગમ ગોપી રાસ

ધર્મેન્દ્ર કોલેજ

સરગમ કનૈયાનંદ

ફનવર્લ્ડ

ન્યુ સહીયર નવરંગ ગ્રુપ

નાનામોવા સર્કલ પાસે

શ્રી ખોડલધામ રાસોત્સવ

(૧) ઈસ્ટ ઝોન

(૨) વેસ્ટ ઝોન

(૩) સાઉથ ઝોન

(૪) નોર્થ ઝોન

આજકાલ રાસોત્સવ

વિરાણી હાઇસ્કૂલ

જૈનમ નવરાત્રી મહોત્સવ

પારીજાત પાર્ટી પ્લોટ

ખેલો રઘુવંશી ખેલો

સાધુ વાસવાણી રોડ

રઘુવંશી નવરાત્રી મહોત્સવ

સેલીબ્રેશન પાર્ટી પ્લોટ

બ્રહ્મસંગમ

૧૫૦ ફૂટ રીંગ રોડ,  મહાપૂજાધામ ચોક

મહેક દાંડીયા

નિરાલી રીસોર્ટ

(10:59 am IST)