Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રામજન્મ ભૂમિ-બાબરી વિવાદ

હિન્દુ-મુસ્લિમ કોઇ પાસે પુરતા પુરાવા નથી

સમગ્ર મામલો ASIના રીપોર્ટ ઉપર ટકેલો છેઃ જસ્ટીશ બોબડે

નવી દિલ્હી, તા.૨૮: અયોધ્યા મામલાની સુનાવણી દરમ્યાન જસ્ટીશ બોબડેએ કહ્યું છે કે સમગ્ર મામલો ASIના રીપોર્ટ ઉપર ટકેલો છે. અયોધ્યા પર હિંદુ-મુસ્લિમ કોઇ પાર્સી નક્કર પુરાવા નથી.

અયોધ્યામાં રામ જન્મસ્થળ અને બાબરી મસ્જીદને લઇને સુનાવણી ચાલી રહી છે. જેને લઇને કોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. જસ્ટીશ બોબડેએ કહ્યું છે કે હજુ સુધીની સુનાવણી દરમ્યાન બંને પક્ષકારો પુરતા પુરાવા આવી શકયા નથી. બંને પક્ષો તરફથી કરાયેલી દલીલ અને પુરાવાના આધારે કોઇ નિર્ણય પર પહોંચવું મુશ્કેલ છે.

કોર્ટ બંને પક્ષો તરફથી રજુ થયેલા પુરાવાને અપુરતા ગણ્યા છે.

અયોધ્યા કેસમાં શુક્રવારે ૩૩માં દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષકારો તરફથી મીનાક્ષી અરોડાએ કહ્યું કે, રિપોર્ટમાં મુખ્યભાગ અને નિષ્કર્ષ વચ્ચે કોઈ સમાનતા નથી. ASIએમાન્યુ છે કે ગુપ્ત કાળ સુધી જગ્યાની પ્રકૃતિની ઓળખ કરવી શકય નથી. એવું કહેવું ખોટુ હશે કે, મંદિર ૧૨મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મીનાક્ષી અરોડાએ એએસઆઈના રિપોર્ટને પુરાતત્વવિદની ધારણાં ગણાવી હતી. અરોરાએ કહ્યું હતું કે, જરૂરી પુરાવાને સામેલ કરવાની જરૂર હતી. આ પુરાવાથી જ અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિરની હાજરી સાબીત થઈ શકતી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, કે અયોધ્યામાં વિવાદિત સ્થાન વિશે રજૂ કરવામાં આવેલો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)નો રિપોર્ટ કોઈ સાધારણ નથી. કોર્ટે કહ્યું છે કે, ૨૦૦૩માં રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ માટે એએસઆઈની ટીમ અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશનમાં કામ કરતી હતી. એએસઆઈને ખોદકામમાં મળેલી વસ્તુઓના આધાર પર પોતાનો દ્રષ્ટીકોણ રજૂ કરવાનો હતો. એએસઆઈના રિપોર્ટનું નિષ્કર્ષ શિક્ષિત અને વિકસિત મગજવાળા નિષ્ણાતોએ કર્યું છે.

જસ્ટીસ બોબડે એ કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે કે, આ સ્થળ પર કબ્જાને લઈને વિવાદ હતો, પરંતુ શું આ વિવાદ માત્ર રામ ચબૂતરાનો હતો કે, રામજન્મભૂમીનો? મુસ્લિમ પક્ષકારો તરફથી શેખર નાફડે કહ્યું કે, હિન્દુ અહીં થોડી જમીન પર પૂજા કરતા હતા, તેમનો માત્ર રામ ચબૂતરા પર નિયંત્રણ હતું. તેઓ સ્વામિત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં, જેનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો. તેમણે અતિક્રમણ કરવા માટે સતત પ્રયત્નો કર્યા.

(12:11 pm IST)