Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

હવે લક્ષ્મી વિલાસ બેંકમાં ૭૯૦ કરોડનું કૌભાંડ

દિલ્હી પોલીસે બેંકના ડાયરેકટરો વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરતા ખળભળાટ : રેલિગેયર ફિનવેસ્ટે નોંધાવી છે ફરિયાદઃ પૈસાની હેરાફેરી થયાનો આરોપઃ ગઈ કાલે બેંકનો શેર ૫ ટકા તૂટયો

નવી દિલ્હી, તા. ૨૮ :. લક્ષ્મી વિલાસ બેંક પર આઠસો કરોડના ગોટાળાની શંકા થઈ રહી છે. દિલ્હી પોલીસની ઈકોનોમીક ઓફેન્સ વિંગે શુક્રવારે બેંક વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે. ફાઈનાન્સીયલ સર્વિસીઝ કંપની રેલિગીયર ફિનવેસ્ટ (આરએફએલ) એ બેંક પર છેતરપીંડીનો આક્ષેપ કર્યો છે. બેંકે આરએફએલની ફરીયાદના આધારે જ એફઆઈઆર નોંધાવી છે. આરએફએલે બેંક પર ૭૯૦ કરોડની છેતરપીંડીનો આક્ષેપ કર્યો છે. ફરીયાદમાં કહેવાયુ છે કે આ કેસમાં એવું લાગે છે કે આરએફએલના ફંડની યોજનાબદ્ધ પદ્ધતિથી હેરાફેરી કરવામાં આવી છે અને તેના કેન્દ્રમાં લક્ષ્મી વિલાસ બેંક છે.

માહિતી અનુસાર, આરએફએલએ લક્ષ્મી વિલાસ બેંકમાં ૭૯૦ કરોડ રૂપિયાની એફડી કરાવી હતી અને આ રકમ ઉપર જ કહેવાતી હેરાફેરી કરાઈ હતી. પોલીસે બેંકના ડાયરેકટર્સ વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડી અને ષડયંત્ર રચનાનો કેસ નોંધાવ્યો છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે બેંકના કેટલા ડાયરેકટર્સ સામે કેસ નોંધાયો છે.

જણાવી દઈએ કે આરએફએલએ બોમ્બે સ્ટોક એક્ષચેન્જને પણ આ માહિતી મોકલી છે. કંપનીએ કહ્યુ છે કે બેંકના આ પગલાથી તેની નાણાકીય પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કંપનીની બેલેન્સ શીટ પર પણ તેની અસર થઈ છે. જ્યારે બીજી તરફ આ આરોપો પછી બેંકના શેર પર પણ ખરાબ અસરો થઈ છે. બેંકના શેરમાં ગઈકાલે પાંચ ટકા ઘટાડો નોંધાયો હતો.

લક્ષ્મી વિલાસ બેંકે આ આરોપો પર પલટવાર કરતા આરએફએલ પર આક્ષેપો કર્યા છે. બેંકે કહ્યુ છે કે તે તપાસ એજન્સીઓ અને નિયામક અધિકારીઓને સહકાર આપવા પ્રતિબદ્ધ છે. આરએફએલ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે અને અમારી વિરૂદ્ધ ષડયંત્ર રચી રહી છે.

(10:54 am IST)