Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બાબરી મસ્જિદ ઇ.સ.૧૭૧૭ પછી રામ જન્મભુમિ પર બંધાઇ હતીઃ ૧૫૨૮-૨૯માં મસ્જિદ બની હોવાની થીયરી ખોટી

જયપુરના સીટી પેલેસ મ્યુઝીયમ માંથી મળ્યો ૧૭૧૭ની સાલનો નકશો નવા જ તથ્યો રજુ કરે છે

૬ ડીસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદનું જે માળખું તોડી પડાયું હતું. તે ત્યાં ૧૭૧૭ પહેલા નહોતું જયપુરના સીટી પેલેસ મ્યુઝીયમમાં રાજ જન્મભુમિનો ઓફીસીયલ નકશો જે ૧૭૧૭માં બનાવાયેલો તે સાચવવામાં આવ્યો છે. આ નકશામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ઇ.સ.૧૭૧૭ સુધી ત્યાં રામ મંદિર હતુ, પછી ભલે ઈસ્લામિક શાસન તે પહેલાનું હોય. આ નકશો જયસિંહ બીજો (અથવા સવાઇ જયસિંહ) જે મોગલ દરબારનો એક ઉમરાવ હતો તેની સાથે સંકળાયેલો છે. જયસિંહે ૧૭૧૭માં હાલની મસ્જિદ આજુબાજુનાં વિસ્તારની જમીન ખરીદીને ત્યાં જયસિંહ પુરા બનાવ્યું હતું. આ જમીનના દસ્તાવેજોની સાથે જ આ નકશો પણ જયપુરના સીટી પેલેસ મ્યુઝીયમમાં કાપડ દ્વારા કલેકશનમાં સચવાયેલો છે. જેમાં દર્શાાવયું છે કે એક ખુલ્લા મેદાન સહિત ત્રણ શિખરવાળું મંદિર આકારનું બાંધકામ છે જે પછીથી ત્રણ ગુંબજ વાળી બાબરી મસ્જિદ બનાવાઇ હતી.

મેદાનને રામ જન્મ સ્થાનનું નામ અપાયું છે અને એક રામ ચબુતરો પણ દર્શાવાયો છે. બાંધકામના મધ્ય ભાગમાં એક વિભાગને છઠ્ઠી નામ અપાયું હતું જેને પણ જન્મભુમિ ગણાવાતી હતી. છઠ્ઠીમાં હિન્દુઓને જવા પર પ્રતિબંધ હોવાથી આગળના ચોગાનમાં તેમણે રામ ચબુતરો બનાવ્યો હતો અને ત્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપી હતી. નકશામાં ત્યાં હિન્દુઓ પ્રદક્ષિણા કરતા પણ દર્શાવાયા છે.

બાબરી મસ્જિદ પરિસરમાંથી ૨૦મી સદીમાં શીલાલેખો મળી આવ્યા હતા જે દર્શાવતા હતા કે મીર બાકીએ બાબરની ઇચ્છાથી ૧૫૨૮-૨૯માં મસ્જિદ બનાવી હતી. જો કે આ લેખો બહુ જુના નહોતા દેખાતા. એટલે બાબરે ૧૫૨૮-૨૯માં ત્યાં મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો તે ઇતિહાસ ખોટો છે. બાબરની જીવન કથા બાબરનામામાં પણ મસ્જિદ નિર્માણ કે મંદિરધ્વંશનો કોઇ ઉલ્લેખ નથી. તુલસીદાસના રામચરિત માનસ (૧૫૭૪) અને અબુલ ફઝલના આઇને અકબરી (૧૫૯૮) માં પણ તેનો કોઇ ઉલ્લેખ નથી.

વિલીયમ ફીન્ચ નામના અંગ્રેજ પ્રવાસીએ ૧૬૧૧માં અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેણે ''રાનીચંદ (રામચંદ્ર) ની ગુફાઓ અને મકાનના અવશેષો વિશે લખીને કહયું હતું કે, હિંદુઓ તેમના ભગવાનમાં માનતા હતા અને તેની આજુબાજુ પંડાઓને જોયા હતા જે યાત્રાળુના નામો નોંધતા હતાં.

૧૬૩૪માં થોમસ હર્બટે લખ્યુ હતું કે, રાનીચંદ નામના વેપારીએ આ શિખરબંધ ઇમારત બનાવી હતી, જે એક એન્ટીક સ્થાપત્ય હતું. તેણે પણ નોધ્યું હતું કે પંડાઓ ત્યાં યાત્રાળુઓના નામ નોંધતા હતા.

ભારતમાં ૩૮ વર્ષ (૧૭૪૩ થી ૧૭૮૫) રહીને કામ કરનાર યુરોપીયન મિશનરી જોસેફ ટીફેનહેલરે નોંધ્યું છે કે ઓૈરંગઝેબ (૧૬૫૮-૧૭૦૭) એ રામકોટ તરીકે ઓળખાતો કિલ્લો અને હિંદુઓ દ્વારા રામ જન્મ સ્થળ તરીકે ઓળખાતા મકાનોનો નાશ કરીને ત્યાં ત્રણ ગુંબજવાળી મસ્જિદ બનાવી હતી.

(4:26 pm IST)