Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યમુના ખતરાના નિશાનથી ઉપરઃ દિલ્હીમાં ફરી પુરનો ખતરો

હરીયાણાના હથની કુંડ ડેમમાંથી ૪ લાખ કયુસેક પાણી છોડાતા

નવી દિલ્હીઃ તા.૨૮, દેશની રાજધાની દિલ્હીમાં એકવાર ફરી પુરનો ખતરો ઉભો થયો છે હરીયાણાના હથની કુંડ ડેમમાંથી ૧૩૮૯૯ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે આજે યમુના નદીનું જળસ્તર ૨૦૫.૯૨ મીટર પહોંચી ગયું છે જે ૨૦૪ મીટરથી લગભગ ૨ મીટર ઉપર વહી રહી છે એવામાં દિલ્હીનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે થોડા દિવસથી દિલ્હીમાં થઇ રહેલ મધ્યમથી ભારે વરસાદના કારણે જગ્યાએ જગ્યાએ પાણી ભરાયા છે. સાથો સાથ હવે નિચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવાના કારણે પુરનો ખતરો ઉભો થયો  છે.

 હથની કુંડમાંથી પાણી છોડવાને કારણે સ્થીતી વધુ ભયાવહ બની છે. એવામાં નિચાણવાળા વિસ્તારમાં એકવાર ફરી પાણી ભરાઇ જવાની આશંકા સેવાઇ રહી છે હરીયાણાના હથની કુંડમાંથી લગભગ ૪ લાખ કયુસેક પાણી છોડાયા બાદ તંત્ર દ્વારા મીટીંગ બોલાવાઇ હતી અને તેમાં પુર અંગે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ લોકોને દરેક સંભવ મદદ આપવાની તજવીજ પણ હાથ ધરી હતી.

દિલ્હીમાં પુરની તકેદારી રૂપે ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાથો સાથ યમુના કિનારાના નિચાણવાળા  વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું પણ શરૂ કરાયું છે. આ સીવાય તંત્રએ લોકોને યમુનાથી દુર રહેવા પણ સુચના આપી છે. ઉપરાંત યમુનાની સપાટી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.

(4:24 pm IST)