Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રામ જન્મભૂમિનો ૧૫૨૩થી ૨૦૧૮ સુધીનો ઘટનાક્રમ

અયોધ્યાનું રામ મંદિર ભારતમાં મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. લાંબા સમયથી ચાલતા આ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટ રોજેરોજ કરશે પણ અહીં આજે રામ મંદિરનો આખો ઇતિહાસ રજુ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ જ જગ્યાએ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પછીથી ભારતમાં વિદેશી આક્રમણકારીઓ આવવા લાગ્યા અને સત્તાઓ બદલાવા લાગી. આ દરમ્યાન રામ જન્મભૂમિ ઉપર મસ્જિદનું નિર્માણ થયું.

૧૫૨૭માં બાબરના હુકમથી રામકોટ વિસ્તારમાં મસ્જિદ બની જેને મીરબાંકીએ બાબરી મસ્જિદ નામ આપ્યું.

૧૮૫૩માં બંન્ને સંપ્રદાયો વચ્ચે કત્લેઆમ થઇ.

૧૮૫૯માં અંગ્રેજ સરકારે આ સ્થાન પર તારબંધી કરી, આ તારની બહાર હિન્દુઓને પુજાની પરવાનગી મળી તો મુસ્લિમોને મસ્જિદની અંદર નમાજની.

૧૯મી સદીના પૂર્વાર્ધમાં મહંત રઘુવર દાસે મંદિરનું નિર્માણ કરવાની કોશિષ કરી પણ તેમને રોકી દેવાયા આનાથી નારાજ થઇને મહંતે ૧૮૮૫માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં કહયું કે પૂજાની જગ્યા ખુલ્લી છે, ઠંડી, ગરમી અને વરસાદમાં પૂજામાં ખલેલ પડે છે. એટલે અહીંયા એક ચબુતરો બનાવવાની પરવાનગી આપવામાં આવે અને મૂર્તિ ઉપર છત બનાવવાની પરવાનગી આપવામાં આવે. અદાલતે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. તે સમયે ભારતનું સ્વતંત્રતા આંદોલન ચરમસીમાએ હતું એટલે લોકો આ વિવાદ ભુલીને દેશને આઝાદી અપાવાવની લડાઇમાં કુદી પડયા હતા.

૧૯૪૭માં દેશ આઝાદ થયો એટલે બંન્ને સમુદાયોની આશા વધી કે હવે કંઇક સમાધાન થશે.

૧૯૪૯માં ડીસેમ્બરની કડકડતી ઠંડીમા ંઅયોધ્યાનું વાતાવરણ ગરમ થઇ ગયું હતું. ૨૩ તારીખની સવારે જેવો મસ્જિદનો દરવાજો ખોલવામાં આવ્યો તો જોઇને બધા ચકિત થઇ ગયા દરવાજો ખુલતા જ લોકોની સામે મસ્જિદમાં ભગવાન રામની મૂર્તિ જોવા મળી. હિંદુઓનો દાવો હતો કે ભગવાન શ્રી રામ પ્રગટ થયા છે જયારે મુસ્લિમોનું કહેવું હતું કે આ એક સાજીશ છે. આ વિવાદ એટલો વધ્યો કે અયોધ્યામાં બંન્ને સમુદાયના લોકો એક બીજાના લોહીના તરસ્યા થઇ ગયા. આ પરિસ્થિતિ જોતા ત્યારના કલેકટરે પ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બાબરી મસ્જિદને વિવાદીત સ્થાન જાહેર કરીને તાળુ મારી દીધું.

૧૯૫૦ થી ૧૯૬૦ના દાયકામાં મંદિર-મસ્જિદ વિવાદ બાબતે નિર્મોહી અખાડા, રામચંદ્રદાસ અને ગોપાલસિંહે મૂર્તિની જગ્યા ન બદલવા અને વિવાદીત સ્થળની માલિકી અંગે અરજીઓ કરી જયારે ૧૯૬૧માં માલિકી  હકની લડાઇમાં પહેલીવાર મુસ્લિમ પક્ષ પણ જોડાયો અને વિવાદીત સ્થળ પર મસ્જિદનો દાવો કર્યો.

૧૯૮૪ સુધી રામ મંદિરનો મુદ્દો રાજકારણથી બહુ દૂર હતો. ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદે એક સંમેલન કર્યુ અને ભવ્ય રામ મંદિર બનાવવાની વાત કરી અને આ મુદ્દો રાજકારણીઓ માટે સોૈથી પસંદગીનો મુદ્દો બની ગયો. ૧૯૮૬માં ફૈઝાબાદ કોર્ટે વિવાદીત સ્થળ પર પુજા કરવાની હિંદુઓને પરવાનગી આપી. વિવાદીત સ્થળના તાળા ફરીથી ખોલવામાં આવ્યા. જયારે આનાથી નારાજ થયેલા મુસ્લિમોએ બાબરી મસ્જિદ એકશન કમિટીની રચના કરી.

ભાજપાએ આ વિવાદમાં લોકલાગણીને જોતા તેને પોતાની કામયાબીની સીડી બનાવી. ૧૯૮૯માં આલમપુરમાં ભાજપાનું અધિવેશન થયું જેમાં તેના નેતાઓએ રામ મંદિર બાબતે મોટો નિર્ણય લીધો. રામ મંદિરની લડાઇમાં ભાજપા પણ વીએચપી સાથે જ ઉભી રહી  ગઇ. જયારે તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીએ વિવાદીત સ્થળની પાસે મંદિરના શિલારોપણની પરવાનગી આપી દીધી.

ભાજપાને ત્યાં સુધીમાં સમજાઇ ગયું હતું કે આ મુદ્દો તેને સફળ બનાવશે. ૧૯૯૦માં ભાજપાના તત્કાલીન પ્રમુખ લાલકૃષ્ણ આડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીથી પસાર થઇને અડવાણીનો રથ જયારે બિહારના સમસ્તીપુર પહોંચ્યોતો તેમની ધરપકડ કરી લેવાઇ. આનો બદલો ભાજપાએ વીપી સિંહની સરકારને ટેકો પાછો ખેંચીને લીધો.

૧૯૯૦માં અયોધ્યામાં એવું કંઇક થયું જેણે ભારતીય રાજકારણનો રંગ બદલી નાખ્યો. એ વર્ષની કાર્તિક પૂર્ણિમાનું સ્નાન અને પંચકોશી પરિક્રમા માટે સરયુ કિનારે લાખો લોકો ભેગા થયા હતા, જેમાં એવા કારસેવકો પણ હતા જે આડવાણીની રથયાત્રાના કારણે અયોધ્યા પહોંચ્યા હતાં.

આ દરમ્યાન અયોધ્યામાં ભીડ વધતી જ ગઇ હતી. જણાવવામાં આવે છે કે પોલીસ તરફથી ગોળી ચલાવવામાં આવી અને તે દરમ્યાન મચેલી ભાગદોડમાં વીએચપીના તત્કાલિન મહામંત્રી અશોક સિંઘલ ઘાયલ થઇ ગયા. પછી કારસેવકોની ધીરજનો બંધ તુટયો અને અયોધ્યામાં ઠેક-ઠેકાણે કારસેવકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ. પછી ત્યારના યુપીના મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવે પોલીસને ગોળીબારનો આદેશ આપી દીધો. અયોધ્યાની શેરીઓ કારસેવકોના લોહીથી લાલ બની ગઇ હતી.

૬ ડીસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં વીએચપીનો એક કાર્યક્રમ થવાનો હતો. ૨૬ નવેમ્બરથી જ અયોધ્યામાં કારસેવકો ભેગા થવા લાગ્યા હતા. વડાપ્રધાન નરસિંહ રાવની મુશ્કેલીઓ વધવા લાગી હતી. જયારે યુપીના કલ્યાણસિંહ સરકારે સુપ્રિમ કોર્ટમાં એક સોગંદનામું આપીને કહયું કે તેમની સરકાર ૬ તારીખે વિવાદીત સ્થળ પર કોઇપણ પ્રકારની પરવાનગી નહીં આપે. આ આશ્વાસન પછી સુપ્રિમ કોર્ટે પ્રતિકાત્મક કાર સેવાની પરવાનગી આપી હતી.

(5:36 pm IST)