Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આનંદીબેનની છોકરીઓને શિખામણ : 'વાળ નાના ન કપાવો, નહીં તો સાસુ સાથે થશે લડાઇ'

સસરાના નામ પર યુવતીઓને અનેક શિખામણો અપાય છે અને તેનાથી વધુ ડર તો સાસુના નામે ફેલાવાય છે

નવી દિલ્હી તા. ૨૮ : સાસરાના નામ પર યુવતીઓને અનેક શિખામણો અપાય છે અને તેનાથી વધુ ડર તો સાસુના નામે ફેલાવાય છે. દાદી- નાની, માતા, કાકી, ફોઈથી માંડીને આજુબાજુની મહિલાઓ સુદ્ઘા પોતાના કિસ્સા સંભળાવીને યુવતીને સાસરા માટે તૈયાર કરે છે. હવે આ લિસ્ટમાં નેતાઓના નામ પણ જોડાવવા લાગ્યા છે. મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પણ એક વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. મધ્ય પ્રદેશના રાજગઢના કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા આનંદીબેને કહ્યું કે યુવતીઓએ ભોજન બનાવતા શીખવું જોઈએ, નહીં તો સાસરે જઈને સૌથી પહેલી લડાઈ સાસુ સાથે થાય છે.

બેટી પઢાવો, બેટી બચાવોના નારા લગાવતી ભાજપ સરકારના આ નેતાનું નિવેદન અહેવાલોમાં છવાઈ ગયું. ગર્લ્સ હોસ્ટેલમાં આનંદીબેને કહ્યું કે પુત્રીઓએ લખવા વાંચવાની સાથે રસોઈના કામમાં પણ દક્ષ હોવું જોઈએ નહીં તો છોકરીઓ જયારે સાસરે જશે તો દાળ નહીં બનાઈ શકે તો સાસુ સાથે લડાઈ થશે. એટલું જ નહીં આનંદીબેને છોકરીઓને શિખામણ આપતા કહ્યું કે વિદ્યાર્થીનીઓએ વાળ નાના ન કરાવવા જોઈએ કારણ કે વાળ મહિલાઓની શાન હોય છે.

છાત્રાવાસની છોકરીઓને રાજયપાલે કહ્યું કે ભણવા વાંચવાની સાથે સાથે ભોજન બનાવતા પણ આવડવું જોઈએ. દાળ બનાવવી, શાકભાજી કાપવા, લોટ બાંધવો, નહીં આવડે તો સાસરામાં ઝગડા થશે. આ સમસ્યાથી બચવા માટે છાત્રાઓએ સમૂહ બનાવીને હોસ્ટેલમાં ભોજન બનાવવું જોઈએ.

અત્રે જણાવવાનું કે રાજયપાલ આનંદીબેન જિલ્લા હોસ્પિટલમાં વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતાં. પ્રોટોકોલ તોડીને રાજયપાલ બાળકોના વોર્ડમાં પહોચ્યા હતાં. ત્યાં કોઈ જવાબદાર નહીં મળતા નારાજ પણ થયાં. વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા હતાં ત્યારે રાજયપાલે બાલિકાઓને વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, અને રાજયપાલના નામ પૂછ્યા અને વિદ્યાર્થીનીઓ સાથે હસી મજાક પણ કરી હતી.

(3:58 pm IST)