Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એક વધુ બેંક કૌભાંડ : હૈદરાબાદની VMC સિસ્ટમ્સ દ્વારા રૂા. ૧૭૦૦ કરોડની છેતરપિંડી

સીબીઆઇએ કંપનીના ડાયરેકટરોના હૈદરાબાદ સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાન પર દરોડા પાડયા

હૈદરાબાદ તા. ૨૮ : વધુ એક બેન્ક કૌભાંડનો હૈદરાબાદમાં પર્દાફાશ થયો છે. પંજાબ નેશનલ બેન્કની ફરિયાદના આધારે સીબીઆઇએ કાર્યવાહી શરૂ કરીને હૈદરાબાદ સ્થિત કંપની વીએમસી સિસ્ટમ્સ લિ.ના ડાયરેકટર્સ અને પ્રમોટર્સ વિરુદ્ઘ રૂ.૧૭૦૦ કરોડની બેન્ક ઉચાપત અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે અને આ ફ્રોડની તપાસમાં સીબીઆઇએ કંપનીના ડાયરેકટરોના હૈદરાબાદ સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાન પર દરોડા પાડયા હતા.

સીબીઆઇએ આ મામલામાં કંપનીના પ્રમોટર વુપ્પલાપતિ વેંકટરામારાવ અને ભાગવતુલ્લા વેંકટરમન્ના, વુપ્પલટાઇ હિમાબિંદુ વિરુદ્ઘ કેસ દાખલ કર્યા છે. કંપની પાસે પીએનબીના રૂ.પ૩૯ કરોડ બાકી લેેણા નીકળે છે.

જયારે એસબીઆઇ, કોર્પોરેશન બેન્ક, આંધ્રા બેન્ક અને જેએમ ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીના ૧ર૦૭ કરોડ મળીને કુલ રૂ.૧૭૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ છે.

પીએનબીના જણાવ્યા અનુસાર વીએમસીએ ૧ર ઓગસ્ટ, ર૦૦૯ના રોજ રૂ.૧૦૧૦.પ૦ કરોડની વર્કિંગ કેપિટલ ક્રેડિટ ફેસિલિટી લીધી હતી, પરંતુ આ રકમનો કોઇ અન્ય કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ વીએમસીએ કન્સોર્ટિયમની મંજૂરી વગર રૂ.૪૩.૮૩ કરોડ બીજા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

૧ એપ્રિલ, ર૦૧૩થી ૩૦ એપ્રિલ, ર૦૧૪ વચ્ચે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પાછળથી કંપનીએ લોન ભરપાઇ કરવા માટે હાથ ઊંચા કરી દીધા હતા. બીએસએનએલના રૂ.ર૬ર કરોડ બાકી નીકળે છે. વીએમસીએ આઇટીઆઇ લિ., ન્યુટ્રિનો પાવર સિસ્ટમ અનેે વીપી સિસ્ટમ પાસે રૂ.૩પર.૯૯ કરોડ બાકી નીકળતા હોવાની જાણકારી આપી હતી.

(3:57 pm IST)