Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મુંબઈના ભાઈંદર મેટ્રો સ્ટેશનને મહાવીરસ્વામી નામ અપાશે

પૂ.પદ્મસાગર મ.સા.ના ૮૪મા જન્મોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત

મુંબઈ, તા.૨૮: પ્રસ્તાવિત મીરા- ભાઈંદર મેટ્રો લાઈનમાં ભાઈંદરમાં મેકસસ મોલની પાછળના સ્ટેશનને 'મહાવીર સ્વામી' નામ આપવાની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.

ભાઈંદરના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બાવન જિનાલય જૈન સંઘમાં બિરાજમાન પૂજય આચાર્ય રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના ૮૪મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કસ્તુરી ગ્રાઉન્ડમાં થઈ હતી અને એ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજયપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય પ્રધાને પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે ભાઈંદર જૈનોની ભૂમિ છે. જૈન સમાજ લેવામાં નહીં, આપવામાં માને છે. કોઈ આફત આવી પડે તો આ જીવદયાપ્રેમી સમાજ દોડી આવે છે. તાજેતરમાં કેરળમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે નયપદ્મસાગર મ.સા.ની આગેવાનીમાં મોટી સંખ્યામાં જૈન સમાજે આગળ આવીને મદદ પહોંચાડી હતી.

આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે આચાર્ય શ્રી પદ્મસાગર મ.સા. ૧૦૦ વર્ષ સુધી દેશ- સમાજ માટે કામ કરતા રહે એવી ભાવના વ્યકત કરી હતી અને દર વર્ષે બધાને કંઈક નવું, સારૃં કામ કરવાની પ્રેરણા મળતી રહે એમ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એમએમઆરડીએ દ્વારા મેટ્રો-૯ મીરા- ભાઈંદરને મંજૂરી આપીને ભંડોળ ફાળવ્યું હતું. આ મેટ્રોનું કામ ૨૦૨૦ સુધીમાં શરૂ કરીને ૨૦૨૩ની શરૂઆતમાં આ નવી લાઈનનું  લોકાર્પણ કરાશે.(૩૦.૭)

(11:51 am IST)