Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

IBના એલર્ટ બાદ અમિત શાહની સુરક્ષામાં વધારો : Z++ કેટેગરીની અપાઇ સુરક્ષા

નવી દિલ્‍હી તા. ૨૮ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ પર હુમલાની દહેશત વધી ગઇ છે. સુરક્ષા એજન્‍સીઓ દ્વારા હાલમાં જ અમિત શાહની સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા કરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ આઇબીએ અમિત શાહ પર હુમલાના ખતરાની આશંકા વ્‍યક્‍ત કરી છે. જો કે આઇબીના એલર્ટ બાદ ગૃહ મંત્રાલય દ્વારા અમિત શાહની સુરક્ષામાં વધારો કરવામાં આવ્‍યો છે.

ભાજપાના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહને સીઆરપીએફની સાથે ઝેડ પ્‍લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર અમિત શાહની સુરક્ષા ઝેડ પ્‍લસથી વધારીને ઝેડ પ્‍લસ પ્‍લસ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ બાબતે દરેક રાજયોને એક પત્ર લખ્‍યો છે.

જેમાં અમિત શાહની સુરક્ષામાં વધારો કરવા જણાવ્‍યું છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા અમિત શાહ પૂરા દેશમાં પ્રવાસ કરી રહ્યાં છે. આ વર્ષના અંતે મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના થોડા મહિના બાદ આમ ચૂંટણી યોજાવાની છે.

આમ વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. તેઓ દરેક રાજયની મુલાકાત લઇ રહ્યાં છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભારતભરમાં કમળ ખિલવાનો દાવો કરી રહ્યાં છે.

(11:16 am IST)