Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ટુરિસ્ટ બસનાં પ્રવાસીઓને મળશે વીમા કવચ

દેશ-વિદેશનાં લાખો પ્રવાસીઓને મળશે લાભઃ ડ્રાઈવર-કંડકટર પણ સામેલ

નવી દિલ્હી, તા. ૨૮ :. સરકાર ભારત ભ્રમણ કરનાર દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને વીમાનું સુરક્ષા કવચ આપવાની જોગવાઈ કરી રહી છે. આમા બસના ડ્રાઈવર-કંડકટર પણ સામેલ હશે. લકઝરી બસોમાં મુસાફરી કરતા પ્રવાસીઓનું ઈલેકટ્રોનીક લીસ્ટ હશે. તેમની સુરક્ષા માટે બસમાં અકસ્માત ચેતવણી સીસ્ટમ, ટ્રેકીંગ ઉપકરણ, ફાસ્ટ ટેગ લગાવવી પડશે.

સરકારે એક દાયકા જૂની ટુરીસ્ટ બસોને નેશનલ પરમીટ બાબતે સૂચનાઓ જાહેર કરી છે. સડક પરિવહન અને હાઈવે મંત્રાલયે બે અઠવાડીયા પહેલા ઓલ ઈન્ડીયા ટુરીસ્ટ વ્હીકલ પરમીટ-૨૦૧૮ અધિસૂચનામાં ટુરીસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો માટે કેટલાક નિયમો ઉમેર્યા છે.

આ બસોને લાગુ પડશે

આમા સાદી ટુરીસ્ટ બસ, લકઝરી ટુરીસ્ટ બસ (એસી) અને સુપર લકઝરી ટુરીસ્ટ બસ (એસી)ના દરેક પ્રવાસીનો વિમો ફરજીયાત બનશે. ટુરીસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરે દરેક મુસાફરની વિગતો રાખવી પડશે. જેમ કે મુસાફર કયાંથી કયાં મુસાફરી કરે છે, કેટલા પ્રવાસન સ્થળોએ ફરવાનો છે ? તેમનું નામ, મોબાઈલ નંબર વગેરે.

આ રીતો અપનાવવી પડશે

બસની અંદર મુસાફરોનું લીસ્ટ (ઈલેકટ્રોનીક) દરેક વખતે દેખાવું જોઈએ. પ્રવાસીઓની વિગતો ઓપરેટરે એક વર્ષ સુધી સાચવીને રાખવી પડશે. આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે બસમાં અકસ્માત ચેતવણી માટેના સાધનો લગાવવા પડશે. બસમાં વાહન ટ્રેકીંગ ઉપકરણ, ઓન લાઈન, ટોલ ટેક્ષ ભરવા માટે ફાસ્ટ ટેગ વગેરે ઉપકરણો લગાવવા પડશે. ટુરીસ્ટ બસોને ૧૨ વર્ષ ચલાવ્યા પછી નેશનલ પરમીટ નહીં અપાય.

સકંજો કસવામાં આવશે

ઈન્ડીયન ટુરીસ્ટ ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈટીટીએ)ના ઉપપ્રમુખ કે.એસ. સાહનીએ જણાવ્યુ કે ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ટુરીસ્ટ બસોનું સંચાલન કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયથી આવા ઓપરેટરો પર સકંજો કસવામાં આવશે. મોટા ટૂર ઓપરેટરો સુપર લકઝરી બસોના વીમાનુ પ્રિમીયમ વાર્ષિક બે થી અઢી લાખ ભરતા હોય છે. રોડ અકસ્માત થાય તો મૃતકની આર્થિક હેસીયત મુજબ વળતરની રકમ ચુકવાય છે પણ અનધિકૃત ઓપરેટરો એક પૈસો પણ ચુકવતા નથી.

મોટી ભેટ

પરિવહન નિષ્ણાત અનિલ ચિકારાએ કહ્યું કે ટુરિસ્ટ બસને નેશનલ પરમીટ આપવાની નવી વ્યવસ્થાથી યાત્રા અને પ્રવાસ કરનાર લોકોને મોટી ભેટ મળશે. આનાથી બસ ભાડુ સસ્તુ થશે. બોર્ડર પર દસ્તાવેજોના ચેકીંગ માટે ખોટી નહીં થવું પડે. નેશનલ પરમીટથી દેશભરમાં તેઓ યાત્રા કરી શકશે. દેશનો પર્યટન ઉદ્યોગ ઝડપથી આગળ વધશે. રસ્તાઓ પર નવી સુપર લકઝરી બસો આવશે.(૨-૨)

(10:11 am IST)