Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મધ્યપ્રદેશના મંદસોરમાં ભેંસને પથ્થર મારતા બેકાબુ થઇ ગઇઃ અેક વ્‍યક્તિને મોતને ઘાટ ઉતાર્યોઃ અન્‍ય લોકો બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયા

મધ્ય પ્રદેશના મંદસોરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભેંસને પથ્થર મારવાની સજા આપવામાં આવી. છેલ્લા પંદર દિવસથી લોકો તેને પથ્થર મારતા હતા. મંગળવારે કોઈએ ભેંસને એક પથ્થર માર્યો અને તે બેકાબૂ થઈ ગઈ. ભેંસના ગુસ્સાને જોઈ લોકો બચવા માટે ઝાડ પર ચડી ગયા. જોકે, ગામનો એક વ્યક્તિ તેના ગુસ્સાનો શિકાર બની ગયો અને મોત નીપજ્યું. બીજી તરફ પોલીસે ભેંસને જોતાની સાથે જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે.

આ ઘટના સીતામઉ પોલીસ સ્ટેશન વિસ્તારના લારની ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 15 દિવસ પહેલા ભેંસે એક મહિલા પર હુમલો કર્યો હતો. ગામના લોકોએ નિર્ણય લીધો કે, ભેંસને દૂર રાખવા માટે તેને જોતાની સાથે જ બધા તેને પથ્થર મારશે. મંગળવારે પણ એક વ્યક્તિએ આવું જ કર્યું. પથ્થર વાગતા ભેંસ બેકાબૂ બની ગઈ અને બધાની પાછળ દોડવા લાગી. લોકો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા હતા.

બીજી તરફ ગામના એક 60 વર્ષીય વૃદ્ધ લાલૂ બંજારા ત્યાંથી પસાર થઈ રહ્યાં હતા. ભેંસને જોતા જ તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ભેંસે તેમને ઉઠાવીને પટકવાનું શરૂ કરી દીધું. ભેંસ તેમણે વારંવાર ગોથે ચડાવ્યા. લોકો આ બધું જોઈ રહ્યાં હતા પણ ભેંસનો ગુસ્સો જોઈ કોઈ લાલૂને બચાવવા ગયા નહીં. ગામના એક વ્યક્તિએ વન વિભાગને ફોન કરીને આની જાણકારી આપતા ત્રણ અધિકારી ત્યાં પહોંચ્યા. તેમણે ભેંસને કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ સાંજ થઈ જવાને લીધે તેને પકડી શકાઈ નહીં.

બીજી તરફ ભેંસના આતંકથી ભયભીત થઈ ગયેલા કેટલાક લોકો ઝાડ પરથી ઉતરીને વન વિભાગની ગાડીમાં ચડી ગયા. ડેપ્યુટી રેન્જર રઘુરાજ સિંહ સિસોદિયાએ જણાવ્યું કે, લગભગ 15 લોકો જીપમાં ચડી ગયા હતા. બીજી તરફ ઘણા એવા લોકો પણ હતા જેઓ ઝાડ પર ચડી તો ગયા હતા પણ ઉતરી શકતા નહોતા. આવા લોકોને અર્થ મૂવિંગ મશીન મંગાવાની નીચે ઉતારવામાં આવ્યા. અધિકારીએ જણાવ્યું કે, લગભગ ત્રણ કલાક બાદ લોકોને રેક્સ્યૂ કરી શકાયા.

(12:00 am IST)