Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

INX કેસમાં ચિદમ્બરમને ફરી આંશિક રાહત, કાલે સુનાવણી

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે : ગયા સપ્તાહમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પી. ચિદમ્બરમની મુશ્કેલી હાલ ઓછી થાય તેવી સંભાવના નથી : આજે પણ તર્કદાર દલીલ જારી રહેશે

નવી દિલ્હી,તા, ૨૮ : આઈએનએક્સ મિડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે આજે બુધવારના દિવસે સુનાવણી બાદ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને ઇડીની ધરપકડથી ગુરુવાર સુધી વચગાળાની રાહત આપી હતી. ગુરુવારના દિવસે આ મામલામાં ફરી એકવાર સુનાવણી કરવામાં આવશે. આઈએનએક્સ કેસ મામલામાં ચિદમ્બરમ કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની કસ્ટડીમાં છે. સીબીઆઈએ ગયા સપ્તાહમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આઈએનએક્સ મિડિયા કેસમાં ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મામલામાં સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને ધરપકડથી વચગાળાની રાહત જારી રાખીને ગુરુવાર સુધી વધુ રાહત આપી હતી. હવે આવતીકાલે ગુરુવારના દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.

     પૂર્વ કેન્દ્રીયમંત્રી ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મામલામાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પૂર્વ કેન્દ્રીયમંત્રીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. ઇડીએ પણ આ મામલામાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની પુછપરછ કરવા માટે તેમને રિમાન્ડ પર લેવાની અરજી દાખલ કરી છે. અલબત્ત ચિદમ્બરમ પોતાના વકીલો મારફતે આનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારના દિવસે પણ આ મામલામાં સુનાવણી પુર્ણ થઇ શકી ન હતી જેથી આ સુનાવણી આજે આગળ વધી હતી. આજે સુનાવણી દરમિયાન તર્કદાર દલીલોનો દોર ચાલ્યો હતો. ઇડીના વકીલ તુષાર મહેતાએ ચિદમ્બરમની રિમાન્ડની માંગ કરીને કહ્યું હતું કે, ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે ત્યાં સુધી તેઓ તપાસ રિપોર્ટ ચિદમ્બરમને શેયર કરવાની સ્થિતિમાં નથી. ઇડીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેઓ સીલ કવરમાં આપવામાં આવેલા રિપોર્ટને જોઈ શકે છે.

      બીજી બાજુ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત પણ કરી હતી કે, કોઇ અજાણ વ્યક્તિ અથવા તો ઓછી શક્તિશાળી વ્યક્તિ મની લોન્ડરિંગ કરી શકે નહીં. આના માટે મોટી યોજનાની જરૂર પડે છે. આ સમગ્ર યોજનાના ભાગરુપે કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આઈએનએક્સ મિડિયા કેસમાં હજુ પણ મની લોન્ડરિંગનો મામલો ચાલી રહ્યો છે. ઇડીએ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો. ચિદમ્બરમ આઇએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. દિલ્હીની ખાસ સીબીઆઈ કોર્ટે સોમવારના દિવસે તેમની કસ્ટડીની અવધિને ૩૦મી ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. ચિદમ્બરમની વચગાળાની જામીન અરજી રદ કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ૨૦મી ઓગસ્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી.

      અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ગુરુવારના દિવસે જ ટ્રાયલ કોર્ટ દ્વારા ચિદમ્બરમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

(7:42 pm IST)