Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમેરિકામાં કોરોનાએ ફરી કહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં અધધધ 106,084 નવા કેસ નોંધાયા

આ અઠવાડિયે નવા કેસોમાં 73 ટકાનો ઉછાળો: સૌથી વધારે નવા કેસો ફ્લોરિડા 38,321, ટેક્સાસ 8,642 અને કેલિફોર્નિયામાં 7,731 નોંધાયા

અમેરિકામાં ફરી કોરોનાએ કહેર વર્તાવ્યો છે અમેરિકામાં મંગળવારના 1,00,000થી વધારે કોરોનાના નવા કેસો નોંધાયા છે. કોવિડના કારણે હૉસ્પિટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તો સંઘીય અધિકારીઓએ સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવાના નિયમોને લઈને નવા નિયમો બનાવી દીધા છે. અમેરિકાના અલગ-અલગ સ્વાસ્થ્ય વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે અમેરિકામાં 1,06,084 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે.

ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે નવા કેસોમાં 73 ટકાનો ઉછાળો આવ્યો છે. સૌથી વધારે નવા કેસો ફ્લોરિડા (38,321), ટેક્સાસ (8,642) અને કેલિફોર્નિયામાં (7,731) નોંધાયા છે. કોરોના કેસો વધતા હૉસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં લગભગ 4,0000 કોરોના દર્દીઓ હૉસ્પિટલમાં ભરતી છે, જે જાન્યુઆરીમાં કોરોનાના પીક દરમિયાનથી ઓછા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે દેશમાં કોરોનાથી મોતના કેસોમાં વેક્સિનેશન કાર્યક્રમના કારણે ઘણો ઘટાડો આવ્યો છે, પરંતુ કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટને લઈને સતર્ક રહેવાની જરૂર છે. બાઇડને લોકોના વેક્સિનેશનની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, જે દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે અને જેમને હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે, તેમાં મોટાભાગના એ લોકો છે જેમને વેક્સિન નથી લાગી. અમેરિકામાં નવા 80 ટકા કેસો કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના છે.

આ પહેલા મંગળવારના CDCના ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીએ તમામ અમેરિકનોને વધારે જોખમવાળા વિસ્તારોમાં સાર્જનિક રીતે માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, માસ્ક લગાવવાની નવી સલાહ પુરાવાના આધારે છે, જે દર્શાવે છે કે ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનેટેડ લોકોની વચ્ચે પણ ફેલાઈ રહ્યું છે.

(12:51 am IST)