Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજ કુંદ્રાએ પાંચ માસમાં ૧.૧૭ કરોડની કમાણી કરી

પોર્ન કેસમાં રાજ કુંદ્રાની નાણાંકીય બાબતો પર નજર : રાજ કુંદ્રાને એપ્પલ સ્ટોરમાં રહેલી કથિત પોર્ન એપ થકી આ આવક થઈ હોવાનું મુંબઈ પોલીસે કોર્ટમાં જણાવ્યું

 

મુંબઈ, તા.૨૮ : રાજ કુંદ્રાની નાણાકીય બાબતો પર નજર રાખવામાં આવી રહી છે અને હાલના ખુલાસાથી જાણ થઈ છે કે, તેણે ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આશરે .૧૭ કરોડ રુપિયાની કમાણી કરી હતી.

મુંબઈ પોલીસે મંગળવારે કોર્ટમાં જણાવ્યું હતું કે, એપ્પલ સ્ટોરમાં રહેલી કથિત પોર્ન એપ થકી આવક થઈ હતી. પોલીસે ગુગલ પાસેથી પણ માહિતી માગી છે કે, એપના ક્યાં વધારે યૂઝર હતા. એપ્લિકેશનનો ઉપયોગ રાજ કુંદ્રા દ્વારા અશ્લીલ ફિલ્મોના ઓનલાઈન વિતરણમાં થતો હતો. કોર્ટે મંગળવારે રાજ કુંદ્રાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તેના વકીલે ધરપકડને ગેરકાયદે ગણાવી હતી અને જામીન માટે હાઈકોર્ટનો આશરો લીધો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસના અધિકારીઓએ મામલે બોલિવુડ એક્ટ્રેસ અને રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લીધું હતું. શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યું હતું કે, ઈરોટિકા પોર્ન કરતાં એકદમ અલગ છે, કે જેનો તેનો પતિ આરોપી છે. આટલું નહીં આવી ફિલ્મો બનાવવામાં તેના પતિની કોઈ સંડોવણી નથી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે 'શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચીટ આપવામાં આવી નથી. દરેક શક્ય એન્ગલથી તપાસ થઈ રહી છે. ફોરેન્સિક ઓડિટર્સની નિમણૂક કરવામાં આવી છે અને કેસમાં તેઓ તમામ અકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તપાસી રહ્યા છે. વિઆન ઈન્ડસ્ટ્રીના અન્ય ડિરેક્ટર્સને પણ જ્યારે જરૂર પડશે ત્યારે નિવેદન માટે બોલાવવામાં આવશે. કેસમાં સાક્ષી તરીકે શર્લિન ચોપરાને નિવેદન માટે બોલાવાઈ હતી. અગાઉ કેસમાં રાજ કુંદ્રાનું નામ મુખ્ય ષડયંત્રકારતરીકે સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન, મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની મુંબઈમાં આવેલી ઘણી સંપત્તિ પર દરોડા પાડ્યા હતા. અંધેરીમાં આવેલી ઓફિસમાંથી ગુપ્ત દિવાલ પણ મળી આવી હતી. જેમાંથી નાણાકીય વહીવટ અને ક્રિપ્ટોકરન્સીના કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા હતા. પોલીસે રાજ કુંદ્રાનું લેપટોપ અને સાન (સ્ટોરેજ એરિયા નેટવર્ક) બોક્સ પણ જપ્ત કર્યું છે. અધિકારીઓએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'અમે ૪૮ ટીબી ડેટાને એક્સેસ કર્યો છે. અન્ય ડેટા પણ હતો, જે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ડિલીટ કરી દેવાયો હતો'.

(7:55 pm IST)