Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સાઉદી અરબની ધમકી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરી તો ૩ વર્ષનો પ્રતિબંધ

રિયાધ, તા.ર૮ : સાઉદી અરબે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે જો તેમણે કોરોના વાયરસની રેડ લિસ્ટમાં સામેલ દેશોની મુસાફરી કરી તો તેમણે ૩ વર્ષ માટે મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. સાઉદી અરબે આ ચેતવણી કોરોનાના નવા વેરિએન્ટ ફેલાયા બાદ તેના પ્રસાર પર કાબુ મેળવવાના ઇરાદે આપી છે. રેડ લિસ્ટમાં સામેલ દેશોમાં ભારત,પાકિસ્તાન અને સંયુકત અરબ અમીરાત જેવા દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

સાઉદી અરબની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએએ ગૃહમંત્રાલયના સુત્રોના હવાલાથી આ જાણકારી આપી છે, તેણે જણાવ્યુ કે મે મહિનામાં સાઉદીના કેટલાક નાગરિકોને માર્ચ ૨૦૨૦ બાદ પ્રથમ વખત અધિકારીઓની પરવાનગી વગર વિદેશ જવાની પરવાનગી હતી પરંતુ તેમણે મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. અધિકારીઓએ કહ્યુ કે જો હવે કોઇ મુસાફરીમાં નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આટલુ જ નહી આવા લોકો વિરૂદ્ધ ભારે દંડ પણ ફટકારવામાં આવશે અને તેમણે ત્રણ વર્ષ સુધી મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. સાઉદી અરબે પોતાના નાગરિકોના ભારત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, યુએઇ, તુર્કી જેવા દેશોમાં જવા અથવા ટ્રાંજિટ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અધિકારીએ કહ્યુ, ગૃહ મંત્રાલયે ભાર આપીને કહ્યુ કે આ દેશોમાં સાઉદી નાગરિકોના સીધા જવા, કોઇ બીજા દેશના રસ્તે જવા, તે દેશમાં જવા જ્યા કોરોના મહામારી પર કાબુ મેળવી શકાયો નથી અથવા નવો સ્ટ્રેન ફેલાઇ રહ્યો છે, મુસાફરી પર પ્રતિબંધ છે.

મહત્વપૂર્ણ છે કે સાઉદી અરબ ખાડી દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેની જનસંખ્યા આશરે ૩ કરોડ છે. સાઉદી અરબમાં મંગળવારે કોરોનાના ૧૩૭૯ નવા કેસ રેકોર્ડ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૫,૨૦,૭૭૪ કેસ સામે આવ્યા છે. આટલુ જ નહી આ મહામારીથી અત્યાર સુધી ૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. જોકે, હવે સાઉદી અરબમાં સંક્રમણનો દર ઘણો ઓછો થઇ ગયો છે.

(3:59 pm IST)