Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર કરોઃ TAFI

ઇન્ડિયાથી ડાયરેકટ કેનેડા જતા વિદ્યાર્થીઓને ફરજીયાત ત્રીજા દેશમાં થઇને જવું પડે છેઃ ભારતનો RTPCR રીપોર્ટ કેનેડામાં માન્ય નથી : વાયા થર્ડ કન્ટ્રી જવાથી તથા અન્ય ફોર્માલિટીઝને કારણે હાલમાં ભારતથી કેનેડા જવાનો ખર્ચ ૩ થી પ ગણો વધી ગયો : ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના ચેરમેન તથા સેક્રેટરીની કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકરને રજૂઆત

રાજકોટ તા. ર૮ :.. ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી હજજારો વિદ્યાર્થીઓ કેનેડા ખાતે શિક્ષણ મેળવી રહ્યા છે કે પછી ત્યાં શિક્ષણની સાથે-સાથે વર્ક પરમીટ મેળવીને સર્વિસ કરી રહ્યા છે. કેનેડામાં વેકેશન બાદ શિક્ષણ શરૂ થતાં હાલમાં હજજારો વિદ્યાર્થીઓ કેનેડા જઇ રહ્યા છે. અને ફલાઇટ ટીકીટ બુક કરાવી રહ્યા છે. આ સંદર્ભે હાલમાં ભારતથી ડાયરેકટ કેનેડા જતા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું જાણવા મળે છે. આ તમામ મુશ્કેલીઓ વહેલીતકે દૂર કરવા માટે ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ગુજરાત ચેપ્ટરના ચેરમેનશ્રી મનીષ શર્મા તથા સેક્રેટરી શ્રી અંકીત બજાજના નેજા હેઠળ TAFI-ગુજરાત દ્વારા કેન્દ્રના કેબીનેટ એક્ષટર્નલ અફેર્સ મીનીસ્ટર ડો. સુબ્રમણ્યમ જયશંકરને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે કેનેડામાં કોરોના સંદર્ભેનો ભારતનો RTPCR રીપોર્ટ માન્ય ગણવામાં આવતો નથી. જેથી ઇન્ડીયાથી ડાયરેકટ કેનેડા જતા વિદ્યાર્થીઓને ફરજીયાત ત્રીજા દેશમાં થઇને (દા.ત. દોહા એરપોર્ટ) કેનેડા જવું પડે છે. ઘણી વખત ત્યાં પણ બે-ત્રણ દિવસ કવોરન્ટાઇન થવું પડે છે. ઉપરાંત સ્થાનીક નિયમો પાળીને અન્ય ફોર્માલિટીઝ પણ પૂરી કરવી પડે છે. આવી રીતે વાયા થર્ડ કન્ટ્રી જવાથી બધી બાબતોને લઈને ભારતથી કેનેડા જવાનો ખર્ચ અંદાજે ૩ થી ૫ ગણો વધી જાય છે. (આશરે ૫૦ હજારને બદલે બેથી અઢી લાખ સુધી પહોંચે છે.)

ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા દેશો પોતાની ઉડ્ડયન પોલિસીમાં વારંવાર ફેરફાર કરતા હોય છે જેથી ભારતીય વિદ્યાર્થીઓ કોઈક વખત જાણતા ન હોય તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બાબતે નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. નિયમ મુજબ ભારત સિવાયના અન્ય દેશોમાં કરાયેલ આરટીપીસીઆર રીપોર્ટ મોટાભાગના કિસ્સામાં કેનેડા સરકાર દ્વારા માન્ય રાખવામાં આવે છે, તો પછી ભારતમાં કરાવેલ આરટીપીસીઆર રીપોર્ટ કયા કારણથી માન્ય રાખવામાં આવતો નથી ? કોરોના સંક્રમણનો સમય તો લગભગ દરેક દેશમાં સરખો જ છે. આ બાબત પણ રજુઆતમાં જણાવવામાં આવી છે અને વિદ્યાર્થી હિતમાં વહેલાસર હકારાત્મક ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે. ટ્વીટર જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ લાગતા-વળગતાઓને સતત રજૂઆત કરવામાં આવી રહી છે.

(3:44 pm IST)