Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ફાઇઝર - એસ્ટ્રેજેનેકાના પૂર્ણ રસીકરણના ૬ સપ્તાહ બાદ એન્ટીબોડીનું સ્તર ઘટવા લાગે છે

કોરોના સામે રસી અસરકારક છે પણ

લંડન તા. ૨૮ : કોરોનાની સામે રસી બહુ અસરકારક છે પણ ફાઇઝર અને એસ્ટ્રેજેનેકાની રસીના પૂર્ણ રસીકરણના છ અઠવાડિયા પછી એન્ટીબોડીનું લેવલ ઘટવાનું શરૂ થઇ જાય છે અને ૧૦ સપ્તાહમાં તે ઘટીને ૫૦ ટકાથી ઓછું થઇ જાય છે. આ લેખ લાંસેટમાં પ્રકાશિત થયો છે.

રિસર્ચરોએ એ પણ કહ્યું કે, તે કેટલું ઝડપી બને છે તેની ભવિષ્યવાણી અત્યારે નથી કરી શકાતી. યુસીએલ વાયરસ વોચ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે એસ્ટ્રેજેનેકાની તુલનામાં ફાઇઝરની રસીના બંને ડોઝ લીધા પછી એન્ટીબોડીનું લેવલ બહુ વધારે વધી જાય છે. એસ્ટ્રેજેનેકાને ભારતમાં કોવીશીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.

રિસર્ચરોએ જણાવ્યું કે, પહેલા કોરોના સંક્રમણવાળા લોકોની સરખામણીમાં રસી લેનારા લોકોમાં એન્ટીબોડીનું લેવલ બહુ વધારે હતું. યુસીએલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ ઇન્ફોર્મેટીકસની મધુમિતા શ્રોત્રીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એસ્ટ્રેજેનેકા અથવા ફાઇઝર રસીના બંને ડોઝ લીધા પછી એન્ટીબોડીઝનું લેવલ શરૂઆતમાં બહુ વધારે હતું. જો કે અમે જોયું છે કે આ લેવલમાં બેથી ત્રણ મહિના દરમિયાનમાં ઘણો ઘટાડો થયો છે. રિસર્ચરોએ આના માટે ૧૮ વર્ષથી વધુ વયના ૬૦૦ લોકો પર અભ્યાસ કર્યો હતો.

યુસીએલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ ઇન્ફોર્મેટીકસના પ્રોફેસર રોબ અલ્ટ્રીજ અનુસાર જ્યારે અમે આ અંગે વીચારીએ છીએ કે બુસ્ટર ડોઝ માટે કોને પ્રાથમિકતા આપવી જોઇએ તો અમારા આંકડાઓ દર્શાવે છે કે જે લોકોને શરૂઆતમાં રસી અપાઇ હતી ખાસ કરીને જેને એસ્ટ્રેજેનેકા રસી મુકાઇ હતી તેમનામાં સૌથી ઓછું એન્ટીબોડી લેવલ અત્યારે હોવાની શકયતા છે. આ સાથે જ એવા લોકો જેમની ઉંમર ૭૦ અથવા તેનાથી વધારે છે અને તેમની સારસંભાળ લેનારાઓને પ્રાથમિકતાના આધારે બુસ્ટરડોઝ આપવો જોઇએ.

(11:39 am IST)