Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોરોના મહામારીની અસર

૨૦૨૦-૨૧ના પહેલા ત્રિમાસીકમાં પર્યટન સેકટરમાં દોઢ કરોડ નોકરીઓ ગઇ

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના કાળમાં સૌથી વધુ અસર થઇ હોય તેવા સેકટરોમાં પર્યટન સેકટરોનું નામ સૌથી આગળ છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ મ઼ગળવારે રાજ્યસભામાં માહિતી આપી કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ત્રિમાસીકમાં અંદાજે ૧ કરોડ ૫૦ લાખ નોકરીઓ પર્યટન સેકટરમાં ગઇ છે.

રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં રેડ્ડીએ કહ્યું કે કોરોના મહામારીએ પર્યટન ક્ષેત્રમાં કામ કરતા લગભગ સાડા ત્રણ કરોડ લોકોને અસર કરી છે. તેમણે જણાવ્યું કે, નેશનલ કાઉન્સીલ ઓફ એપ્લાઇડ ઇકોનોમીકસ રિસર્ચ દ્વારા કરાયેલ અભ્યાસના પરિણામો અનુસાર ૨૦૨૦-૨૧ દરમિયાન સમગ્ર આર્થિક મંદીના કારણે પર્યટન અર્થવ્યવસ્થા અથવા પર્યટન પ્રત્યક્ષ સકલ મૂલ્ય વર્ધિતમાં પહેલા ત્રિમાસીકમાં ૪૨.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

જો કે અનલોકના કારણે ગયા વર્ષના બીજા અને ત્રીજા ત્રિમાસીકમાં આ સેકટરની આર્થિક સ્થિતિમાં મામૂલી સુધારો થયો હતો. રેડ્ડીએ કહ્યું કે, લોકડાઉન લાગુ થયા પછી પર્યટન સેકટરમાં મોટી સંખ્યામાં નોકરીઓ ગઇ.

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૨૮ ટકા ભારતીય લોકો આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છે પણ ભવિષ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતા છે. જો કે સર્વેમાં સામેલ અર્ધાથી વધારે લોકોએ કહ્યું કે, તેઓની પ્રવાસની કોઇ યોજના નથી.

(11:38 am IST)