Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોવિશીલ્‍ડ કોરોના સામે ૯૩% રક્ષણ આપે છે : મૃત્‍યુના જોખમને પણ ઘટાડે છે

સ્‍ટડીમાં ૧૫ લાખ ડોક્‍ટર્સ અને ફ્રન્‍ટલાઇન વર્કર્સને સામેલ કરવામાં આવ્‍યા હતા : કોવિશીલ્‍ડ વેક્‍સિન કોરોના સંક્રમણથી થતાં મૃત્‍યુના જોખમને પણ ૯૮ ટકા ઘટાડે છે : કોઇ રસી આ ગેરંટી નથી આપતી કે કોરોનાનો ચેપ નહીં જ લાગે, પરંતુ ગંભીર બીમારી રોકી શકાય છે

 

નવી દિલ્‍હી,તા.૨૮: દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ બાદ હવે ત્રીજી લહેરની સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. કેન્‍દ્ર સરકાર આ માટે સતત ચેતવણી પણ આપી રહી છે. એવામાં તેજ ગતિએ ચાલી રહેલા રસીકરણ દરમિયાન કોવિશીલ્‍ડ રસીને લઇને કરાયેલા અધ્‍યયનમાં મહત્‍વની માહિતી સામે આવી છે.

કેન્‍દ્ર સરકારના જણાવ્‍યા મુજબ, કોવિશીલ્‍ડ વેક્‍સિન કોરોના વાયરસ સામે ૯૩ ટકા રક્ષણ આપે છે જયારે મૃત્‍યુના જોખમને ૯૮ ટકા ઘટાડે છે.

નીતિ આયોગના સભ્‍ય ડો. વી કે પોલે આ સ્‍ટડીના રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કરી છે. આ સ્‍ટડીમાં ૧૫ લાખ ડોક્‍ટર્સ અને ફ્રન્‍ટલાઇન વર્કર્સને સામેલ કરવામાં આવ્‍યા હતા. આ સ્‍ટડી કોરોનાની બીજી લહેર દરમિયાન આર્મ્‍ડ ફોર્સ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી. ડો. વી કે પોલનું કહેવું હતું કે, કોવિશીલ્‍ડ વેક્‍સિનથી ૯૩ ટકા સુરક્ષા મળવાના પરિણામ સામે આવ્‍યા છે. આ પરિણામ બીજી લહેર સમયના છે જેમાં ડેલ્‍ટા વેરિયંટ ઘાતક નીવડ્‍યો હતો. કોવિશીલ્‍ડ વેક્‍સિન કોરોના સંક્રમણથી થતાં મૃત્‍યુના જોખમને પણ ૯૮ ટકા દ્યટાડે છે.

કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં રસીની ઉપયોગિતા પર ભાર આપતાં ડો. વી કે પોલે કહ્યું કે રસી લેવાથી ચેપ લાગવાનું પ્રમાણ ઓછુ થાય છે પરંતુ એની ગેરંટી નથી. કોઇ રસી આ ગેરંટી નથી આપતી કે કોરોનાનો ચેપ નહીં જ લાગે, પરંતુ ગંભીર બીમારી રોકી શકાય છે અને તેને ખતમ કરવામાં મદદ મળી કરે છે. તેમણે એવી અપીલ પણ કરી હતી કે, મહામારીને લઇને સાવચેતી રાખવી અને રસી પર ભરોસો રાખી આવનારા દિવસો અને મહિનાઓને લઇને સતર્ક રહો.

આ પહેલા કેન્‍દ્ર સરકારે વિતેલા ચાર અઠવાડિયામાં સાત રાજયોના ૨૨ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના નવા કેસમાં થયેલા વધારાને લઇને ચિંતા વ્‍યક્‍ત કરી હતી.

(10:37 am IST)