Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જીએસટી રિફંડના ફોર્મ જ ડાઉનલોડ નહીં થતા વેપારીઓની હાલત કફોડી

પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે છેલ્લા સાત દિવસથી પરેશાનીમાં વધારો

મુંબઇ તા. ૨૮ : જીએસટી પોર્ટલમાં ટેકનીકલ ખામી સર્જાવાને કારણે છેલ્લા સાત દિવસથી રીફંડ મેળવવા માટેના ફોર્મ જ ડાઉનલોડ થતા નથી. તેના કારણે વેપારીઓ દ્વારા ફોર્મ જ ભરી શકાતા નથી. જોકે આ સમસ્યા દેશવ્યાપી હોવા છતાં પોર્ટલની સમસ્યા દુર કરવા માટેની દરકાર સુધ્ધાં જીએસટીએન દ્વારા લેવામાં આવતી નથી.

જીએસટી લાગુ થયાને ચાર વર્ષનો સમય વીતી જવા છતાં પોર્ટલની ખામી દૂર કરવામાં આવતી નથી. થોડા દિવસ પોર્ટલ યોગ્ય રીતે ચાલુ રહ્યા બાદ ફરીથી પોર્ટલની મોકાણ સર્જાતી હોય છે. જે અંગે વખતોવખત વેપારી, સીએ તથા ટેકસ કન્સલ્ટન્ટો દ્વારા રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

છેલ્લા એકાદ બે મહિનાથી પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરતુ હતુ. પરંતુ સાતેક દિવસથી ફરી પોર્ટલની ખામીને કારણે રીફંડ મેળવવા માટેની પરેશાનીમાં વધારો થયો છે. કારણ કે રીફંડ મેળવવા માટે વેપારીઓએ પોર્ટલ પરથી ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિગતો ભરવાની હોય છે. ફોર્મમાં વિગતો ભરપાઇ કર્યા બાદ તેને પોર્ટલ પર જ અપલોડ કરવાની હોય છે. જેથી વેપારીએ ભરેલી વિગતોને આધારે સિસ્ટમ દ્વારા તેની પુરતી ચકાસણી કર્યા પછી વેપારીને રીફંડ આપવામાં આવતુ હોય છે. જયારે છેલ્લા સાત દિવસથી રીફંડની કાર્યવાહી જ અટકી પડતા વેપારીઓની હાલત કફોડી બની છે.

  • સમસ્યા જ નહીં રહે તેવી વ્યવસ્થા હજી કરવામાં ઠાગાઠૈયા

જીએસટીમાં ૩બી રીટર્ન ભર્યા બાદ વેપારીઓને મળવાનુ થતુ રીફંડ માટે અરજી કરતા હોય છે. જેથી રીફંડ ઝડપથી મળે તો વેપારીઓ તે નાંણામાંથી વેપારને આગળ વધારતા હોય છે. અથવા તો જેઓને નાંણા ચુકવવાના હોય તેને રીફંડ આવ્યા બાદ નાંણાકીય વ્યવહાર સાચવતા હોય છે. જેથી વધારાની મુડી વેપાર વધારવા માટે વપરાશ કરી શકાતી હોય છે. પરંતુ રીફંડના ધાંધિયાને કારણે વેપારીઓએ સંબંધ સાચવવા પોતાની મુડી વેપાર વધારવાના બદલે તેમાં વાપરવી પડે છે. તેનું કારણ સમયસર રિફંડ મળતું નહીં હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે જેથી સરકાર દ્વારા સમયસર રિફંડ વેપારીઓને મળે તેવી પુરતી વ્યવસ્થા વેપારીઓના હિતમાં ઉભી કરવી જોઇએ.

(10:32 am IST)