Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મજબૂરીમાં લોકો સડક પર ભીખ માંગે છે,તેના પર રોક લગાવી શકતા નથી : સુપ્રીમ કોર્ટ

સડક અને જાહેર સ્થળો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાનો ઓર્ડર આપવાનો ઇનકાર કર્યો : પીઆઈએલમાં એવી માંગ કરવામાં આવી છે કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સિગ્નલો અને માર્ગ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને આવા લોકોનું પુનર્વસન કરવામાં આવે

નવી દિલ્હી,તા. ૨૮: સુપ્રીમ કોર્ટે મંગળવારે સડક અને જાહેર સ્થળો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાનો ઓર્ડર આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આવા આદેશ પસાર કરી શકાય નહી , બાળકો સહિત વડીલોને શિક્ષણ અને રોજગારના અભાવે સડકોમાં ભીખ માંગવાની ફરજ પડી છે. આ એક સામાજિક-આર્થિક મુદ્દો છે, માંગવામાં આવેલા હુકમ દ્વારા તેનું નિરાકરણ થઈ શકશે નહીં. તે એક માનવ સમસ્યા છે કે કલ્યાણકારી રાજયોએ બંધારણના ભાગ  ૩ (મૂળભૂત અધિકાર) અને ભાગ ૪ (રાજય નીતિના નિર્દેશક સિદ્ઘાંતો) માં નિર્ધારિત પદ્ઘતિઓ દ્વારા હલ કરવી જોઈએ.

બેઘર અને ભિક્ષુકોને કોરોના રસી અને તબીબી સુવિધા આપવાની માંગ અંગે  કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને પણ નોટિસ ફટકારી હતી અને તેમનો જવાબ પણ માંગ્યો હતો.જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમઆર શાહની ખંડપીઠે જાહેર હિતની અરજી (પીઆઈએલ) ની સુનાવણી દરમિયાન ઉપરોકત નિરીક્ષણો કર્યા હતા. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને કહ્યું છે કે કોરોના દરમિયાન આવા લોકોની રસીકરણ અને તબીબી સુવિધાઓનો મુદ્દો અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

કોર્ટ કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી જાણવા માંગે છે કે આ માનવતાવાદી ચિંતા અંગે શું પગલા લેવામાં આવ્યા છે. કોર્ટે આ મામલે ૧૦ ઓગસ્ટે ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપતાં સોલિસિટર જનરલને આ મામલાની સુનાવણીમાં અદાલતને મદદ કરવા વિનંતી કરી છે.

પીઆઈએલમાં એવી માંગ કરવામાં આવી છે કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સિગ્નલો અને માર્ગ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને આવા લોકોનું પુનર્વસન કરવામાં આવે અને તમામને પાયાની સુવિધાઓ, આશ્રય અને તબીબી સુવિધાઓ તેમજ કોરોના રસી પૂરી પાડવા સુનિશ્યિત કરવામાં આવે. કોર્ટે કહ્યું કે રાજયોએ બંધારણમાં આપેલા મૂળભૂત અધિકાર અને નીતિના નિર્દેશક સિધ્ધાંતોના આધારે સમાધાન શોધવું જોઈએ.

(10:28 am IST)