Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ફિલ્મમેકર મહેશ ભટ્ટની ઓફિસમાં ફાયરિંગ

ગેન્ગસ્ટર રવિ પૂજારીનો શાર્પશૂટર ઝડપાયો

મુંબઇ,તા.૨૮:  ફિલ્મમેકર મહેશ ભટ્ટની ઓફિસમાં ફાયરિંગ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ગેન્ગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટરને ખંડણી વિરોધી શાખાએ ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સાદિક ઇબ્રાહિમ બંગાળી (૪૪) તરીકે થઇ હોઇ તેની પાસેથી પિસ્તોલ, રિવોલ્વર અને પંદર કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. લોનાવલામાં સ્થાનિક રાજકારણી રાહુલ શેટ્ટીની હત્યાના કેસમાં સાદિક ફરાર હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ખંડણી વિરોધી શાખાના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ૨૩ જુલાઇએ કોટન ગ્રીન પૂર્વ સ્થિત એરફોર્સ રોડ પર છટકું ગોેઠવ્યું હતું અને શસ્ત્રો વેચવા આવેલા સાદિક બંગાલીને તાબામાં લીધો હતો. ધરપકડ બાદ સાદિકને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને ૩૦ જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સાદિક બંગાલી ગેન્ગસ્ટર રવિ પૂજારીનો સાગરીત હોઇ તેની વિરુદ્ઘ પુણે, નવી મુંબઈ અને મુંબઈમાં હત્યા, હત્યાનો પ્રયાસ જેવા પંદર ગુના દાખલ છે. શિવસેનાના નેતા વિજય ચૌગુલેના ભાઇ દેવીદાસ ચૌગુલેની હત્યાના કેસમાં આરોપીને દોષી ઠેરવાયો હતો. ફિલ્મમેકર મહેશ ભટ્ટની ઓફિસમાં થયેલા ફાયરિંગમાં સાદિક સંડોવાયેલો હતો, જે રવિ પૂજારીને ઇશારે કરવામાં આવ્યું.

(10:26 am IST)