Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નાઇટ્રોજન ડાઇઓક્સાઇડનું સ્તર દિલ્હીમાં ૭૦ ટકા ઘટ્યું

સંયુક્ત રાષ્ટ્રના અભ્યાસમાં તારણ : જોકે આ સ્થિતિ ન રહે તે માટે વાયુ પ્રદૂષણને અટકાવવાની નીતિ ચાલુ રાખવી પડશે : યુએન દ્વારા અપાયેલી સલાહ

સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૮કોરોનાને કારણે દેશમાં થયેલા લોકડાઉનને કારણે નાઇટ્રોજન ડાઇઓક્સાઇડનું સ્તર ૭૦ ટકાથી વધુ ઘટી ગયું છે તેમ સંયુક્ત રાષ્ટ્રના એક અભ્યાસમાં જણાવાયું છે. પરંતુ તેમાં એવી ચેતવણી અપાઇ છે કે જો વાયુ પ્રદૂષણને અટકાવવાની નીતિ અપનાવ્યા વગર અને કાર્બનને ઓછું કરવાને પ્રોત્સાહન આપ્યા વગર શહેરો ફરીથી ખુલે છે તો પર્યાવરણીયરીતે થયેલા લાભ અસ્થાયી રહી જશે. 'શહેરી દુનિયા'માં કોવિડ-૧૯' અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના નીતિ સાર (પોલિસી બ્રીફ)માં કહેવાયું છે કે કોવિડ-૧૯ના અંદાજિત ૯૦ ટકા કેસોમાં શહેરી વિસ્તારો વૈશ્વિક મહામારીના કેન્દ્ર બની ગયા છે. આમાં વાતનો ઇશારો કરાયો છે કે કેટલાક નવા વિજ્ઞાની અભ્યાસ દર્શાવે છે કે હવાની ખરાબ ગુણવત્તાનો કોવિડ-૧૯થી વધુ મૃત્યુદર સાથે સંબંધ છે.

શહેરી વિસ્તારોની વસતિ અને વૈશ્વિક અને સ્થાનિક આંતરસંપર્કનું ઉચ્ચસ્તર વાયરસ પ્રત્યે તેમને સંવેદનશીલ બનાવે છે. એમાં ઉમેરાયું છે કે વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશો દ્વારા તેમની અર્થવ્યસ્થાને વિરામ આપવા દરમિયાન પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ભલે ઘટી ગયું હોય પરંતુ જો અર્થવ્યવસ્થાને ફરી ખોલતી વેળાએ વાયુ પ્રદૂષણને અટકાવવા અને કાર્બનને ઘટાડવાની કામગીરીને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી તો પર્યાવરણીય લાભ અસ્થાયી થઇ શકે છે. તેમાં વધુમાં ઉમેરાયું છે કે લોકડાઉનમાં નવી દિલ્હીમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્તર ૭૦ ટકા, ચીનના શહેરી વિસ્તારોમાં ૪૦ ટકા, બેલ્જિયમ અને જર્મનીમાં ૨૦ ટકા અને અમેરિકાના વિવિધ વિસ્તારોમાં ૧૯-૪૦ ટકા સુધી ઘટ્યું છે.

(10:21 pm IST)