Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

આવી રહ્યા છે દુનિયાના ઘાતક ફાઇટર જેટ રાફેલ

સ્વાગત માટે અંબાલા એરબેસ તૈયાર : પ્રથમ ખેપમાં ભારતને મળી રહ્યા છે પાંચ વિમાન

નવી દિલ્હી તા. ૨૮ : ચીન સાથે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શકિતશાળી બનવા જઈ રહી છે. જે ફાઈટર વિમાનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે ત્યાંથી તેઓ ભારતની ઉડાણ ભરશે.

ભારતને અધિકૃત રીતે આ તમામ રાફેલ વિમાન ગત વર્ષે મળી ગયા હતાં. જે સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચીને પૂજા અર્ચના કરીને વિધિવત રીતે તેમનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય વાયુસેનાના જાબાંઝ વીરો તેની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. હવે વાસુસેનાને આ વિમાનો મળ્યા છે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ આ તમામ વિમાન અંબાલા એરબેસ પર રાખવામાં આવશે. આ માટે બધવારે રાફેલ ફાઈટર જેટ ત્યાં પહોંચશે.

ફ્રાન્સથી ભારની મુસાફરી રાફેલ માટે સરળ નથી. કારણ કે તે ૭૦૦૦ કિમીની મુસાફરી કર્યા બાદ અંબાલા બેસ પર પહોંચશે. આ જ કારણ છે કે ઉડાણ ભર્યા બાદ એકવાર રાફેલમાં હવામાં ઈંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ એક સ્ટોપ UAEના બેસ પર રાખ્યું. ત્યારબાદ તે બુધવારે ભારત માટે રવાના થશે.

અંબાલા એરબેસને પણ રાફેલના આગમન પ્રમાણે તૈયાર કરી દેવાયું છે. રાફેલ વિમાનના ભારતમાં આગમનને ધ્યાનમાં રાખીને અંબાલા એરબેસ માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. અંબાલા એરબેસના ૩ કિમીના દાયરાને ડ્રોન ઝોન જાહેર કરાયો છે. એરબેસના ૩ કિમીના દાયરામાં ડ્રોન કે અન્ય કોઈ પણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પણે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેને પર કાર્યવાહી કરાશે.

નોંધનીય છે કે મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે રાફેલ વિમાનની પહેલી ખેપ અંબાલામાં તૈનાત કરવામાં આવી રહી છે. જે ચીન બોર્ડરથી ૩૦૦ કિમીના અંતરે  છે અને આવામાં જો જરૂર પડશે તો ગણતરીની મિનિટોમાં રાફેલને બોર્ડર પર પહોંચાડી શકાય છે. એટલે કે જો દુશ્મન કોઈ પણ નાપાક હરકત કરશે તો તેના પર એકશન માટે ભારત સંપૂર્ણ પણે તૈયાર છે.  ભારતને ફ્રાન્સથી કુલ ૩૬ રાફેલ વિમાન મળવાના છે. જેમાંથી ૫ અત્યારે મળ્યાં. બીજા ૧૦ રાફેલ વિમાન આ વર્ષે મળે તેવી શકયતા છે. જયારે તમામ ૩૬ વિમાનની ડિલિવરી ૨૦૨૧ સુધીમાં પૂરી થઈ શકે છે.

નોંધનીય છે કે રાફેલ ફાઈટર વિમાન હાલના સમયમાં દુનિયાનું સૌથી શાનદાર, ઘાતક (ડેડલી) ફાઈટર વિમાન ગણાય છે. રાફેલ એક મિનિટમાં ૧૮ હજારની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલમાં ૩ પ્રકારની મિસાઈલ લાગેલી હશે. હવામાંથી હવામાં માર કરનારી મીટિયોર મિસાઈલ, હવામાંથી જમીનમાં માર કરનારી સ્કેલ્ફ મિસાઈલ અને ત્રીજી છે હેમર મિસાઈલ. આ મિસાઈલોથી લેસ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે.

રાફેલમાં લાગેલી મીટિયોર મિસાઈલ ૧૫૦ કિમી અને સ્કેલ્ફ મિસાઈળ ૩૦૦ કિમી સુધી નિશાન સાધી શકે છે. જયારે HAMMER એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે થાય છે. આ મિસાઈલ આકાશથી જમીનમાં વાર કરવા માટે અત્યંત કારગર નિવડે છે.

(11:46 am IST)