Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

લખનઉમાં પોલીસે હેલમેટ પહેરનાર બાઇકચાલકને ગુલાબનું ફૂલ આપતા જ પતિ-પત્ની વચ્ચે આખી રાત ઝઘડો થયોઃ પોલીસે પાડેલ ફોટો બતાવતા વિવાદ શમી ગયો

લખનઉઃ લખનઉના સિકંદરબાગ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને હેલમેટ પહેરવા બદલ ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યો હતો. પરંતુ તેનું કહેવું છે કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તેના હાથમાં ગુલાબનું ભૂલ જોઈને નારાજ થઈ ગઈ. તેણે જણાવ્યું કે આ ફૂલ પોલીસે સન્માન તરીકે આપ્યું છે પરંતુ પત્ની જરાય વાત માનવા તૈયાર ન થઈ. આખી રાત પત્ની અને પતિ વચ્ચે લડાઈ થઈ. ત્યારબાદ વ્યક્તિ બીજા દિવસે પોલીસ પાસે પહોંચ્યો અને પુરાવ તરીકે ખેંચવામાં આવેલા ફોટાને લઈ ગયો. 

મામલો લખનઉ ટ્રાફિક પોલીસના સબ ઈન્સ્પેક્ટર પ્રેમ શાહીની ફેસબુક પોસ્ટ બાદ સામે આવ્યો. તેમણે ગત સપ્તાહે ચલાવવામાં આવેલા હેલમેટ અભિયાનની જાણકારી આપી. તેમાં તેમણે જણાવ્યું કે આ સજ્જન આજે મળ્યાં. ગઈ કાલે હેલમેટ જાગરૂકતા અભિયાનનો ફોટો માંગવા લાગ્યાં. ફોટાને લઈને તેઓ ખુબ પરેશાન હતાં. બહુ શોધવા પર ફોટો મળ્યો. 

સબ ઈન્સ્પેક્ટરે પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે કારણ પૂછવા પર પતિએ જણાવ્યું કે ગઈ કાલે હેલમેટ પહેરીને સિકંદરાબાદ ચાર રસ્તા પાસેથી નિકળી રહ્યો હતો. ત્યાં જ ઈન્સ્પેક્ટર સાહેબ તમે મને હેલમેટ પહેરવા બદલ ગુલાબનું ફૂલ આપ્યું હતું. ફૂલ લઈને જ્યારે હું ઘરે પહોંચ્યો તો પત્ની પૂછવા લાગી કે આ ફૂલ ક્યાથી આવ્યું. કોણે આપ્યું. હું વારંવાર કરગરતો રહ્યો કે ટ્રાફિક પોલીસે મને હેલમેટ પહેરવાના કારણે આપ્યું છે. તો પણ તે માનવા તૈયાર નહતી. આખી રાત અમારી વચ્ચે લડાઈ થઈ. મારી પૂરી રાત કાળી બની ગઈ. તે વ્યક્તિની પરેશાની સાંભળીને સબ ઈન્સ્પેક્ટર પ્રેમ શાહીએ બીજા દિવસે પણ તેને એક ગુલાબનું ફૂલ આપ્યું. ફૂલ આપ્યા બાદ ફૂલ સાથેનો ફોટો પણ આપ્યો. જેથી કરીને તે પત્નીને પુરાવો બતાવી શકે. 

વિશેષ અભિયાન હેઠળ લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે હવે હેલમેટ વગર લખનઉમાં પેટ્રોલ પણ મળશે નહીં. એટલે કે જો કોઈ દ્વિચક્કી વાહનમાં પેટ્રોલ ભરાવવા જઈ રહ્યાં છો તો ચાલકે હેલમેટ પહેરવી જરૂરી છે. આ અભિયાન ચલાવવાનો આદેશ લખનઉના નવા એસએસપી કલાનીધિ નૈથાનીએ આપ્યો હતો. આ હેઠળ શહેરના 67 પેટ્રોલ પંપો પર કડક નજર રાખવામાં આવી રહી છે. લોકોના ચલન કાપવામાં આવી રહ્યાં છે. 

(5:47 pm IST)