Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

મંદીગ્રસ્ત રિયલ એસ્ટેટ સેકટરમાં પ્રાણ ફૂંકવા નવા ફલેટ પર GST ઘટાડવા તૈયારી

૩૩ ટકા અબેટમેન્ટને વધારી ૫૦ % કરવા ભલામણઃ જો આવું થયું તો GST નો બોજો ઘટશેઃ રિયલ એસ્ટેટ પર હાલ ૧૮ ટકા GST છે તે ઘટાડી ૧૨ ટકા અને અબેટમેન્ટ સાથે ૮ ટકા કરવા નીતિ આયોગની ભલામણ

નવીદિલ્હી તા.૨૮: મંદીમાં અટવાયેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી લાવવાના પ્રયાસો કરી રહેલી સરકારને જો નીતિ આયોગની ભલામણો યોગ્ય લાગશે તો નવા ફલેટ ખરીદનાર અને બિલ્ડરોને મોટી રાહત મળી શકે છે. આયોગે આ ક્ષેત્રને ગતિમાન કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ કરોમાં છુટનું વિશેષ પેકેજ આપવાની ભલામણ કરી છે. આયોગે દિલ્હી જેવા મહાનગરો અને ટાયર-૧ શહેરોમાં નિર્માણાધીન પ્રોપર્ટી પર જીએસટીમાં હાલમાં ૩૩% એબેટમેન્ટને વધારીને ૫૦ % કરવાની ભલામણ કરી છે. જો આવું થશે તો નવા ફલેટ પર જીએસટીનો બોજ ઘણો ઓછો થશે.

સુત્રોએ કહયું કે નીતિ આયોગે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે મળીને એક નોટ તૈયાર કરીને નાણા મંત્રાલયને મોકલી છે. હાલમાં કાર્યવાહક નાણામંત્રી પીયુષ ગોયલ સાથે થયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા પણ થઇ છે.

 હાલમાં રીયલ એસ્ટેટ પર જીએસટી ૧૮ ટકા છે પણ જમીનના ભાવ પ્રમાણે ૩૩ ટકા એબેટમેન્ટ પછી અસરકર્તા દર ૧૮ ટકાથી ઘટીને ૧૨ ટકા થઇ જાય છે. સુત્રોએ કહયું કે આયોગે દિલ્હી જેવા મહાનગરો અને ટાયર-૧ શહેરોમાં ૩૩ ટકા એબેટમેન્ટ વધારીને ૫૦ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવું થશે તો ફલેટ પર જીએસટીનો બોજ ઓછો થઇ જશે. એટલું જ નહી આયોગનું તો ત્યાં સુધી કહેવું છે કે, રીયલ એસ્ટેટ પર જીએસટી ઘટાડીને ૧૨ ટક અને એબેટમેન્ટ સાથે ૮ ટકા કરવામાં આવે.

આયોગે આવકવેરા કાયદાની કલમ ૨૪ હેઠળ અક નાણાકીય વર્ષમાં વ્યાજના બદલે મળતી ર લાખની છુટની સીમા વધારીને સાડા ત્રણ લાખ કરવાની ભલામણ કરી છે. આના લીધે હાઉસીંગ લોન ભરતા લોકોને રાહત મળશે. સાથે જ વ્યાજની ચુકવણી માટે મળતી છુટની આ સુવિધાને કન્સ્ટ્રકશન દરમ્યાન પણ આપવાનું કહેવાયું છે. અત્યારે આ સુવિધા ફલેટનો કબ્જો મળ્યા પછી જ મળે છે.એજ રીતે આયોગે બિલ્ડરોને રાહત આપવા માટે આવકવેરાની કલમ ૩૨(પ) હેઠળ આવતા ભલામણો કે જેમાં કોઇ આવાસ પરિયોજનાને એક વર્ષ પુરૂ થયા પછી વેચાયા વિનાના ફલેટ પર નોશનલ રેંટલ વેલ્યુના આધારે બિલ્ડરે આવકવેરા ભરવાની જોગવાઇ છે તેને બંધ કરવાની પણ ભલામણ કરી છે. આયોગનું કહેવું છે કે, આ જોગવાઇને  બંધ કરવામાં આવે અથવા તો પછી તે મુદ્દતને ત્રણ વર્ષની કરવામાં આવે.સુત્રોનું કહેવું છે કે આયોગે પોતાની ભલામણોમાં એમ પણ કહયું છે કે જો કોઇ વ્યકિત પોતાની સ્થારવ મિલકત વેચીને બે મકાન ખરીદે તો તેને લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકામાંથી મુકિત મળવી જોઇએ. હાલમાં ફકત એક મકાન માટે જ આ પ્રકારની છુટ અપાય છે.

સુત્રોએ કહયું કે પરોક્ષ કરોના મુદ્દે આયોગે સીમેન્ટ સહિત બીજી નિર્માણ સામગ્રી પર જીએસટી ઘટાડવાની ભલામણો કરી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સીલની બેઠકમાં પેઇન્ટ અને વાર્નિશ જેવી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો પણ સીમેન્ટ પર જીએસટી દર હજુ પણ ૨૮ ટકા છે. (૧.૭)

(11:37 am IST)