Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પાકિસ્તાન : ૧૫ એકરમાં ત્રાસવાદની ફેકટરી બનાવશે જૈશ-એ-મોહમ્મદ

સેન્ટરમાં હજારો બાળકો જેહાદ માટે કુર્બાની આપે તેની ટ્રેનિંગ આપવામાં આવશે

ઇસ્લામાબાદ તા. ૨૮ : આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૫ એકર જમીનમાં ગુપ-ચૂપ ટ્રેનિંગ સેન્ટર બનાવી રહ્યું છે. આ સેન્ટરમાં હજારો બાળકો જેહાદ માટે કુર્બાની આપે તેની ટ્રેનિંગ આપવામાં આવશે. ફર્સ્ટપોસ્ટના રિપોર્ટ અનુસાર, પંજાબ વિસ્તારના બહાવલપુરના બહારના વિસ્તારમાં મોટી બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. તસવીરોથી ખબર પડે છે કે, નવી બિલ્ડીંગ જૈશની વર્તમાન મુખ્ય ઓફિસથી પાંચ ઘણી મોટી છે. ત્રણ મહિનાથી તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

દેશમાં ઈમરાન ખાનના વર્ચસ્વ અને તેના ચૂંટણી જીતવા સમયે આ બિલ્ડીંગ બનવું માત્ર સંયોગ ન હોઈ શકે. જૈશ દ્વારા આ ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટીને સમર્થન આપવામાં આવ્યું અને નવાઝ શરીફ વિરુદ્ઘ જબરદસ્ત પ્રચાર કરવામાં આવ્યો છે. જૈશએ શરીફને પાકિસ્તાન અને ઈસ્લામનો ગદ્દાર જાહેર કર્યો હતો. સરકારી દસ્તાવેજ અનુસાર, બહાવલપુર કોમ્પલેક્ષ માટે મસૂદ અઝહરે જમીન ખરીદી છે. જે જગ્યા પર જમીન ખરીદવામાં આવી ત્યાં ૮૦થી ૯૦ લાખ પ્રતી એકર જમીનના ભાવ છે.

આ જગ્યાને જોવાવાળા સૂત્રોનું કહેવું છે કે, આમાં રસોઈ, મેડિકલ સુવિધાઓ અને રૂમ અને જમીનની નીચે પણ નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, અહીં ઈંડોર ફાયરીંગ રેંજ પણ બનાવવામાં આવશે. ફર્સ્ટપોસ્ટના સમાચાર અનુસાર, સ્વિમિંગ પૂલ, તિરંદાજી રેંજ અને રમતનું મેદાન પણ તૈયાર કરવામાં આવશે.

કોમ્પલેક્ષ બનાવવા માટે હજ જવાવાળા યાત્રિઓ પાસેથી રોકડા પૈસા લેવામાં આવ્યા. ૨૦૧૭માં જમીન માલિકો પાસેથી ઉશરના સહારે પણ મદદ લેવામાં આવી. ઉશર પાક ઉત્પાદક પર લાગતો ચાર્જ હોય છે જે શહીદો, ધાર્મિક લડવૈયાઓના મદદ માટે લેવામાં આવે છે. અલ રહમત નામના ટ્રસ્ટ દ્વારા ઉશર આપવાનું આહ્વાહન કરવામાં આવ્યું હતું.

જૈશના સ્થાનિક નેતાઓએ પંજાબમાં મસ્જિદો માટે પૈસા લગાવ્યા. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના પૈતૃક શહેર રાયવિંડ પાસે પટ્ટોકીમાં ફારૂક-એ-આઝમ મસ્જિદમાં મૌલાના અમાર નામના એક જૈશ નેતાએ લોકોને પૈસા માટે મદદ કરવાનું આહ્વાહન કરતા કહ્યું હતું કે, જિહાદ શરિયાનો આદેશ છે. તમને જણાવી દઈએ કે, જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય નેતા મસૂદ અઝહર ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં શામેલ છે. તે ૨૦૦૧ સંસદ હુમલા અને ૨૦૧૬ પઠાનકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. ભારત તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કોશિસ કરી રહ્યું છે, પરંતુ ચીન તેમાં રોડા નાખી રહ્યું છે. નવાઝ શરીફે પ્રધાનમંત્રી રહેતા અઝહરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, હવે સરકાર બદલાયા બાદ જૈશ પહેલા કરતા વધારે સક્રિય થઈ શકે છે.(૨૧.૧૧)

(11:34 am IST)