Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કેરલાની બહેને ભાઈને લખ્‍યો ૪૩૪ મીટર લાંબો પત્ર

કોચી, તા.૨૮: આજના ટેકનોસેવી સમયમાં કોઈની પણ યાદ આવે એટલે ફોન કરીને વાત કરવી એક સરળ રીત થઈ ગઈ છે. આવામાં કેરળની ક્રિષ્‍ણપ્રિયાએ તેના ભાઈને ૪૩૪ મીટર લાંબો અને પાંચ કિલો વજનનો પત્ર લખ્‍યો છે. ક્રિષ્‍ણપ્રિયાએ ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડમાં તેના પત્રને સૌથી લાંબા પત્રની શ્રેણીમાં સ્‍થાન આપવા માટે અરજી કરી છે.

કેરલાના ઉડુક્કી જિલ્લામાં આવેલા પીરમેડમાં એન્‍જિનિયર ક્રિષ્‍ણપ્રિયાનો ભાઈ વિદ્યાર્થી હોવાથી તે વર્લ્‍ડ બ્રધર્સ ડેનો દિવસ તેના ભાઈ સાથે નહોતી વિતાવી શકી તેમ જ પોતાના વ્‍યસ્‍ત શેડ્‍યુલને કારણે ભાઈને બ્રધર્સ ડેની શુભકામના પણ આપી શકી નહોતી. 

ક્રિષ્‍ણપ્રિયાના ૨૧ વર્ષના ભાઈ ક્રિષ્‍ણપ્રસાદે બહેનને મેસેજ મોકલ્‍યો જેના પર કલાકો સુધી બહેને ધ્‍યાન આપ્‍યું નહોતું. ત્‍યાર બાદ અન્‍યોએ તેને બ્રધર્સ ડેની શુભકામનાઓ મોકલાવી હતી એના સ્‍ક્રીનશૉટ્‍સ પણ મોકલ્‍યા હતા. બહેને તેના મેસેજોના જવાબ ન વાળ્‍યા તેથી નારાજ થયેલા ક્રિષ્‍ણપ્રસાદે બહેનને વૉટ્‍સઍપ પર બ્‍લૉક કરી દીધી હતી.

ક્રિષ્‍ણપ્રિયાએ જણાવ્‍યું હતું કે ‘વ્‍યસ્‍ત શેડ્‍યુલને કારણે કોલ કરવાનું તેમ જ મેસેજ કરવાનું ચૂકી જવાથી તે ઘણી અપસેટ હતી. તેનું રોષે ભરાવું યોગ્‍ય હતું, પણ તેણે મને વૉટ્‍સઍપ પર બ્‍લૉક કરતાં દુખી થઈને મેં અમારી વચ્‍ચેના અબોલા તોડવા ૨૫ મેએ તેને પત્ર લખવાનું નક્કી કર્યું.'   

શરૂઆતમાં ક્રિષ્‍ણપ્રિયાએ એ-૪ સાઇઝના પેપર પર પત્ર લખવાની શરૂઆત કરી, પરંતુ તેને એટલું બધું લખવું હતું કે લાંબા પેપરની જરૂર હતી. સ્‍ટેશનરીમાં સૌથી લાંબું પેપર બિલિંગ પેપર જ હતું. આથી ૧૫ બિલિંગ રોલ લઈને તેણે લખવાની શરૂઆત કરી. પ્રત્‍યેક પેપર પર પત્ર લખીને ૧૨ કલાકે પત્ર લખવાનું તેણે પૂરું કર્યું.

જોકે સૌથી મોટી સમસ્‍યા એને અસેમ્‍બલ કરીને પૅકિંગ કરવાની હતી. સેલો ટેપ અને ગુંદરની મદદથી બધાને એક બૉક્‍સમાં મૂકીને તેણે એ પોસ્‍ટ કર્યો. સદભાગ્‍યે પોસ્‍ટમાં કોઈ પણ પ્રકારના પ્રશ્‍નો વિના આ પત્ર સ્‍વીકારી લેવાયો હતો.

બે દિવસ પછી ક્રિષ્‍ણપ્રસાદને પત્ર મળ્‍યો તો પહેલાં તો તેણે પોતાના માટેની ગિફ્‌ટ હોવાનું અનુમાન કર્યું હતું. જોકે બૉક્‍સ ખોલ્‍યા પછી તે પોતે પણ મૂંઝાઈ ગયો હતો.

(3:20 pm IST)