Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સરકાર બેંકોનું ખાનગીકરણ કરીને જ ઝંપશે

સંસદમાં ચોમાસુ સત્રમાં રજુ કરશે બિલ : સરકાર પોતાનો પુરેપુરો હિસ્‍સો છોડી દેવા માંગે છે

નવી દિલ્‍હી, તા.૨૮: જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે જરૂરી સુધારાઓનું બીલ સરકાર સંસદના ચોમાસુ સત્રમાં મૂકી શકે છે. આ બાબતથી માહિતગાર  એક અધિકારીએ કહ્યું કે આ માટે વિચારાધીન સુધારાઓમાંનો એક છે બેંકોના ખાનગીકરણ દ્વારા સરકાર તેમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જવું. બેંકીંગ કંપનીઝ એકટ ૧૯૭૦ અનુસાર જાહેરક્ષેત્રની બેંકોમાં સરકારનો ૫૧ ટકા હિસ્‍સો હોવો જોઇએ. આ પહેલા એવુ વિચારાયુ હતુ કે સરકારે ઓછામાં ઓછો ૨૬ ટકા હિસ્‍સો ખાનગીકરણ દરમ્‍યાન રાખવો જોઇએ જેને ધીમે ધીમે ઘટાડી શકાય.
અન્‍ય એક અધિકારીએ કહ્યું, આ બીલ ખાનગીકરણ માટે જરૂરી મીકેનીઝમ રજુ કરશે. અમે તેને આ સત્રમાં લાવી શકીએ છીએ અને પછી બીજા મુદ્દાઓ પર ધ્‍યાન આપીશું તેમણે વધુમાં કહ્યુ કે આઇડીબીઆઇ બેંકનો હિસ્‍સો વેચતી વખતે થયેલ પ્રદર્શનો દરમ્‍યાન હિત ધરાવતા લોકો સાથે ચર્ચાના આધારે સુધારાઓ કરાયા છે.
નાણા મંત્રાલય પણ ખાનગીકરણમાં માલિકી અને શેર હિસ્‍સા પર નિયંત્રણ બાબતે રીઝર્વ બેંક સાથે ચર્ચા કરી રહ્યુ છે, અત્‍યારે ખાનગી બેંકોમાં પ્રમોટર્સે વધુમાં વધુ ૨૬ ટકા હિસ્‍સો રાખી શકે છે. જો કે ચોમાસુ સત્રની તારીખોની હજુ જાહેરાત નથી થઇ. ૨૨ ડીસેમ્‍બર ૨૦૨૧ના રોજ પુરા થયેલ શિયાળુ સત્રમાં સરકારે બેંકીંગ લોઝ એમેન્‍ડમેન્‍ટ બીલ, ૨૦૨૧ લીસ્‍ટમાં મુકયુ હતુ પણ તેને રજુ નહોતુ કર્યુ. ઉપરમાંથી પહેલા અધિકારીએ કહ્યુ કે અમને મોટા રોકાણકારો, મર્ચન્‍ટ બેન્‍કરો અને ઉદ્યોગમાંથી ઘણા સૂચનો મળ્‍યા છે અત્રે તેમાંથી જરૂરી લાગે તેવા સુધારાઓ આ પ્રક્રિયાને કોઇ કાયદાકીય અડચણો વગર ઝડપી બનાવવા માટે સામેલ કરીશું.

 

(12:07 pm IST)