Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કપડાના ભાવમાં થશે વધારો : ડિસ્‍કાઉન્‍ટમાં પણ થશે ઘટાડો

કપાસના ભાવ અને ટ્રાન્‍સપોર્ટેશનની કિંમતમાં વધારાનાᅠકારણે તહેવારોમાં ગ્રાહકોના ખીસ્‍સા પર પડશે વધુ એક માર

નવી દિલ્‍હી તા. ૨૮ : આ વર્ષે રક્ષાબંધન, નવરાત્રિ અને દિવાળી દરમિયાન કપડાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ગારમેન્‍ટ સેક્‍ટરના વેપારીઓનો અંદાજ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કપાસના સતત વધી રહેલા ભાવ અને ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચને કારણે માત્ર ડિસ્‍કાઉન્‍ટમાં ઘટાડો જ નહીં પરંતુ ભાવમાં પણ વધારો થશે.

ક્રિએટિવ ગારમેન્‍ટ્‍સના મેનેજિંગ ડિરેક્‍ટર અને ક્‍લોથિંગ મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ મહેતાએ વાતચીતમાં સ્‍વીકાર્યું કે કપડાંની કિંમતમાં વધારાને કારણે આ તહેવારોની સિઝનમાં કિંમતોમાં લગભગ ૧૦-૧૫ ટકાનો વધારો થઈ શકે છે. .

તેમણે કહ્યું કે અપેક્ષા મુજબ દેશના તમામ ભાગોમાંથી ગારમેન્‍ટના ઓર્ડર મેન્‍યુફેક્‍ચરિંગ કંપનીઓને આવવા લાગ્‍યા છે, જેનાથી લાગે છે કે તહેવારોની સિઝનમાં માંગ રહેશે પરંતુ આ વખતે ગ્રાહકોએ દર વર્ષની સરખામણીમાં ડિસ્‍કાઉન્‍ટની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ભાવ વધવા પાછળનું કારણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે પરિવહન ખર્ચમાં વધારો છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં કપાસના ભાવ વિશ્વ કરતાં વધુ રહ્યા છે. જેના કારણે ધંધાના ખર્ચમાં પણ વધારો થયો છે. વેપારીઓએ કોટન સિવાયના ફેબ્રિક્‍સ પર ફોકસ વધાર્યું છે, પરંતુ તેમાં ખર્ચ ઘટાડવા માટે પૂરતો વધારો થયો નથી.

ઈન્‍ડિયા રેટિંગ્‍સના અહેવાલ મુજબ, વિશ્વભરમાં તેમજ દેશમાં કપાસના ભાવ આગામી મહિનાઓમાં ઊંચા રહેવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, સરકારે કપાસનો પુરવઠો વધારવા અને તેના ભાવને સ્‍થિર કરવા એપ્રિલથી સપ્‍ટેમ્‍બર મહિના માટે તેના પરની આયાત ડ્‍યૂટી ૧૦ ટકાથી ઘટાડીને શૂન્‍ય કરી દીધી છે. મે ૨૦૨૦માં કપાસના ભાવમાં દર મહિને ૧૦ ટકા અને વર્ષે ૯૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. તે મુજબ ભારતીય કપાસ આંતરરાષ્ટ્રીય કપાસ કરતા મોંઘો થયો છે.

(10:27 am IST)