Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા: રાજનાથસિંહ

રાજનાથસિંહે લેહમાં એરફોર્સ, આર્મી, આઇટીબીપી અને જીઆરઇએફના જવાનો સાથે વાતચીત કરી

નવી દિલ્હી :લેહ-લદાખની મુલાકાતના બીજા દિવસે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પડોશીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. લેહ એરફોર્સ બેઝ પર સંરક્ષણ મંત્રીએ ભારત-ચીનના ગતિરોધને અટકાવવા માટે આઈએએફ અધિકારીઓની પ્રશંસા કરતાં કહ્યું કે, જો કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે વડા પ્રધાન મોદીથી લઈને તેમના પુરોગામી સુધી દરેકએ પડોશીઓ સાથેના સંબંધોને સુધારવાનું કામ કર્યું હતું. સંરક્ષણ પ્રધાને લેહમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે અટલ જીએ એક વાર કહ્યું હતું કે મિત્રો બદલાઇ શકે છે, પડોશીઓ નહીં બદલી શકે.

સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે તેઓ સરહદ પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની સમીક્ષા કરવા અને તેમના સૈનિકોને મળવા અને તેમની સજ્જતા સમજવા માટે અહીં આવ્યો છું. આવતીકાલે હું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દિલ્હી જવા રવાના થઇ રહ્યો છું. સંરક્ષણ પ્રધાને કહ્યું કે રાષ્ટ્રએ એક વર્ષ પહેલા સૈન્ય દ્વારા કરાયેલા પ્રભાવશાળી કાર્યની પ્રશંસા કરી છે. સેના, હવાઈ દળ દ્વારા બતાવેલી તાકાતથી આવા બળને કોણ હરાવી શકે? સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લેહમાં પરંપરાગત બારા ખાના દરમિયાન એરફોર્સ, આર્મી, આઇટીબીપી અને જીઆરઇએફના જવાનો સાથે વાતચીત કરી હતી.

(11:28 pm IST)