Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યોગીનું ભ્રષ્ટાચારને રામરામ, ગુજરાત સરકારનું પ્રોત્સાહન

રાજ્યના પ્રવાસન ખાતાના અધિકારીઓનો ભ્રષ્ટાચાર : ગુજરાત ટૂરિઝમે નડાબેટના વિકાસ માટે ૩૫ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું જેમાં ઓછા ભાવના ૩ ટેન્ડર રદ કર્યા કુંભ મેળામાં ભ્રષ્ટાચારના મુદ્દે બ્લેક લિસ્ટ થયેલી કંપની લલ્લુજી એન્ડ સન્સને ૭૫ કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો

અમદાવાદ, તા. ૨૮ : રાજ્ય સરકાર દ્વારા વહાલા દવલાંની નીતિને લીધે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાતું હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશમાં કુંભમેળામાં ટેન્ટસિંટી બાંધી કરોડોનું કૌભાંડ કરનારી બ્લેક લિસ્ટેડ લલ્લુજી એન્ડ સન્સને નડાબેડ પ્રવાસનના વિકાસ માટે ત્રણેક કંપનીના ઓછા ભાવના ટેન્ડરને કરોડોનો પ્રોજેક્ટ આપી દેવાતાં ગુજરાત પ્રવાસન વિભાગ શંકાની સોય તકાઈ રહી છે.

ગુજરાત ટુરિઝમે નડાબેટના વિકાસ માટે રૂ.૩૫ કરોડનું ટેન્ડર બહાર પાડયુ હતું જેમાં ત્રણ કંપનીના ઓછા ભાવના ટેન્ડર આવ્યા હોવા છતાં લલ્લુજી  એન્ડ સન્સને બમણાં ભાવે એટલે રૂ.૭૫ કરોડમાં પ્રોજેક્ટનું કામ આપી દેવાયું છે. ટુરિઝમ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ લલ્લુજી સાથે સાંઠગાંઠ કરીને આખીય ગોઠવણ પાડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

થોડાક વખત પહેલાં જ ઉત્તર પ્રદેશમાં કુંભમેળામાં ટેન્ટ સિટીનો પ્રોજેક્ટ લલ્લુજી એન્ડ સન્સને સોપાયો હતો જેમાં ખોટા બિલો રજૂ કરીને કરોડોનું કૌભાડ આચરવામાં આવ્યુ હતું જેના કારણે યોગી સરકારે તપાસ આદરી હતી અને કસૂરવાર લલ્લુજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટેડ કરી દીધી હતી. ગુજરાતમાં રણોત્સવમાં પણ આ જ મુદ્દે તપાસ કરાઇ હતી પણ ગુજરાત ટુરિઝમે વગના આધારે લલ્લુજીને ક્લિનચીટ આપી દીધી હતી.

ગુજરાત સરકારે નડાબેડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા નક્કી કર્યુ છે. આ સ્થળે વિવિધ કામો માટે ગુજરાત ટુરિઝમે રૂ.૩૫ કરોડનું ટેન્ડર બહાર પાડયું હતું. આ કામો મેળવવા ત્રણેક કંપનીઓએ ઓછા ભાવ સાથે ટેન્ડર ભર્યા હતાં.

જોકે, ટુરિઝમના ભ્રષ્ટ અધિકારીઓએ લલ્લુજી એન્ડ સન્સ સાથે ગોઠવણ પાડી  પ્રોજેક્ટ અપાવવામાં રસ દાખવ્યો છે. લલ્લુજીને જ કામ મળે તે માટે ઓછા ભાવ ભર્યા હોવા છતાંય ત્રણેય કંપનીના ટેન્ડર રદ કરી દેવાયા હતાં. નડાબેટ પ્રવાસન વિકાસનું કામ લલ્લુજી એન્ડ સન્સને મૂળ ટેન્ડરના બમણાં ભાવ એટલે રૂ.૭૫ કરોેડમાં આપી દેવાયુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આમ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં કેટલાય કોન્ટ્રાકટરો અધિકારીઓ સાથે સાંઠગાઠ રાખીને નિયમિતપણે કોન્ટ્રાક્ટ મેળવતા હોવાની વાત સામે આવી છે.

કચ્છમાં રણોત્સવથી માંડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ય ટેન્ટ સિટીનું કામ લલ્લુજી એન્ડ સન્સને સોપવામાં આવ્યુ છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ માટેનો કોન્ટ્રાક્ટ પણ લલ્લુજીને જ અપાયો છે. ભાજપના નેતાઓ સાથે રાજકીય વગ ધરાવતાં લલ્લુજી એન્ડ સન્સને જ પ્રવાસન વિભાગના મોટાભાગના પ્રોજેક્ટનું કામ અપાય છે.

 

(9:02 pm IST)