Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

હિમાચલમાં સહેલાણીઓને

જન્નતનો અનુભવ કરાવતું શાંત, મનમોહક તથા સુરમ્ય ડેસ્ટીનેશન કંગોજોડી

પરિવાર સાથે કવોલિટી ટાઇમ-વેકેશન ગાળવા માટે ઉત્તમ સ્થળ : કેપિંગ, ટ્રેકીંગ, પર્વતારોહણ, રમત-ગમત જેવા એડવેન્ચર્સનો ભરપૂર આનંદ લઇ શકાય છેઃ વિવિધ તહેવારોનું પણ ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્વ : કેપ રોકસ, કિંગ્સ કલોફ ઘાટનો બર્મા બ્રીજ, શિબિર સ્થળ, કેમ્પફાયર સાથે ગીત-નૃત્યોનો તથા જમવાનું બનાવવાનો લ્હાવો, નેચર વોક, જંગલી ફુલો અને જડ્ડીબુટીઓ, પક્ષીઓ જોવા, હર્યાભર્યા જંગલોમાં ટહેલવું વિગેરે જોવા-માણવાનો અનેરો રોમાંચ

રાજકોટ, તા., ર૮: ભારત સહીત સમગ્ર વિશ્વાં આજે મોટાભાગના લોકોની જીંદગી દોડધામ વાળી થઇ ગઇ છે. લોકો સતત એક યા બીજા કામથી વ્યસ્ત રહેતા હોવાનું જોવા મળે છે. આવા સંજોગો વચ્ચે લોકો રૂટીન લાઇફમાં થોડો ચેન્જ લાવવા પણ પ્રયત્નશીલ હોય છે. આ માટે હરવા-ફરવાના સ્થળો ઉપર પ્રથમ પસંદગી ઉતારતા હોય છે. ભારતમાં હિમાચલ પ્રદેશમાં આવેલ કંગોજોડી એકદમ શાંત, મનમોહક તથા સુરમ્ય ડેસ્ટીનેશન છે કે જયાં સહેલાણીઓને જન્નતનો અનુભવ મળે છે. પરીવાર તથા ગ્રુપ સર્કલ સાથે કવોલીટી ટાઇમ-વેકેશન ગાળવા માટે ઉતમ સ્થળ ગણી શકાય. લોકોની ભીડભાડથી દુર અને નયનરમ્ય વાતાવરણનો લાભ લઇ શકાય છે.

શાંત વાતાવરણ પસંદ કરતા લોકો માટે આ જગ્યા વિશેષ મહત્વ ધરાવતી હોવાનું સંજય શેફર્ડ જણાવી રહયા છે. આ જગ્યાની પ્રાકૃતીક સુંદરતા, દેવદારના વૃક્ષો, ખુબસુરત પર્વતો વિગેરે બાબતો કોઇ પણને સંમોહીત કરી દે છે. અહી નદીના કિનારે બેસીને પ્રસન્નતા સાથે પ્રકૃતિને માણવાનો અસામાન્ય લાભ લઇ શકાય છે. પ્રકૃતીના ખોળામાં વસેલ કંગોજોડી થોડા દિવસો રોકાવા માટે ઘણી સારી જગ્યા કહી શકાય. ખુશનુમા વાતાવરણ અને પ્રાકૃતીક સૌદર્ય સાથે અહી સાહસીક પ્રવૃતીઓ (એડવેન્ચર્સ) પણ કરી શકાય છે. કેપીંગ, ટ્રેકીંગ, પર્વતારોહણ વિગેરેનો ભરપુર આનંદ માણી શકાય છે. સોલો ટ્રાવેલર્સ તથા પરીવાર સાથે કવોલીટી ટાઇમ પસાર કરવા માંગતા લોકો માટે આ સ્થળ ઘણું લોકપ્રિય છે.

અહી હરવા-ફરવાના વિકલ્પો મર્યાદીત છે છતા પણ જગ્યાનું સૌંદર્ય ઘણુ જ છે. અહી કેપ રોકસ એક એવી જગ્યા છે કે જે પર્યાવરણીય દ્રષ્ટીએ સૌમ્ય, પ્રદુષણ મુકત અને સ્વચ્છ વાતાવરણ માટે જાણીતી છે. અહીના અદભુત  વાતાવરણથી મન અને શરીર બંને તંદુરસ્ત-તાજામાજા થઇ જાય છે. કંગોજોડીમાં રહીને કિંગ્સ કલોફ ઘાટીમાં આવેલ બર્મા બ્રીજની મુલાકાત લઇ શકાય છે કે જેને અહીના મુખ્ય આકર્ષણોમાંનુ એક ગણી શકાય. આ જગ્યા ઉપર ટહેલવાનો રોમાંચ કંઇક જુદો જ હોય છે.

કંગોજોડી એક સુંદર અને અદ્ભુત શિબિર સ્થળ તરીકે પણ ઓળખાય છે. આખી રાત કેમ્પફાયર (બોનફાયર) ની આસપાસ નૃત્યો, ગીતો તથા જમવાનું બનાવવાનો આનંદ કંઇક ઔર જ હોય છે. આ જગ્યા ટ્રેકીંગ તથા નેચર વોક માટે પણ જાણીતી છે. અહીંનું ટ્રેકીંગ અન્ય જગ્યાઓથી ઘણું અલગ, સુંદર તથા સંશોધનાત્મક અનુભવ કરાવતું હોવાનું સંજય શેફર્ડ કહે છે. જો કુદરત (પ્રકૃતિ) ની નજીક રહેવા માંગતા હો તો કંગોજોડીમાં જંગલી ફુલો તથા જડ્ડીબુટી સાથે પર્યટકો અને સ્થાનિક પક્ષીઓને જોવાનો લ્હાવો મળી શકે છે. અહીં હર્યાભર્યા જંગલોની ચારેય બાજુ હરવું - ફરવું એ એક સુખદ અનુભવ કરાવે છે.

હિમાચલ પ્રદેશ પર્યટનની સાથે સાથે વિભિન્ન પર્વ તથા તહેવારોની ઉજવણી માટે પણ જાણીતું છે. કંગોજોડી અને તેની આજુ બાજુના તહેવારો ખૂબ જાણીતા છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જીલ્લામાં આયોજીત થતો નલવારી મેળો પણ એમાંનો એક છે. આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મેળો પશુઓના વેપાર માટે જાણીતો છે.

ટૂંકમાં વેકેશન કે પછી અન્ય રજાઓમાં હરવા-ફરવાનો પ્લાન કરતા હોઇએ તો ફેમિલિ સાથે ગુણવતાયુકત સમય વિતાવીને યાદગાર સંભારણું બની શકે તેવી જગ્યા કંગોજોડી કહી શકાય.

કંગોજોડી પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

હિમાચલ પ્રદેશમાં આવેલ કંગોજોડી જવા માટે દેશના કોઇપણ સ્થળેથી સૌપ્રથમ ચંડીગઢ પહોંચી શકાય છે. ત્યાંથી કંગોજોડીનો રસ્તો અઢી કલાક જેટલો છે. ચંડીગઢ એરપોર્ટથી કંગોજોડી ૯૦ કિ. મી. જેટલું  દૂર છે. અમદાવાદ સહિતના શહેરોથી ચંડીગઢ જવા માટે બસ, ટ્રેઇન તથા પ્લેનની સુવિધા મળી રહે છે. ગુગલ ઉપર સર્ચ કરીને ઓનલાઇન બુકીંગ કરાવી શકાય છે કે પછી ત્યાં રહેવા માટે કે પહોંચવા માટે ટ્રાવેલ એજન્ટસની મદદ પણ લઇ શકાય છે.

કંગોજોડીમાં ૩૦૦ રૂપિયાથી માંડીને ૭૦૦૦ રૂપિયા સુધીના ટેરીફ ધરાવતી હોટલ અને ગેસ્ટ હાઉસ મળી રહે છે. હોટલની કેટેગરી તથા ફેસેલિટીઝ મુજબ અલગ - અલગ ટેરીફ હોઇ શકે છે. ઘણા કિસ્સામાં સીઝન મુજબ ડીસ્કાઉન્ટ પણ મળતાં હોય છે. ગુગલ ઉપર સર્ચ કરી ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. ટ્રાવેલ એજન્ટસ પાસેથી પેકેજ પણ લઇ શકાય છે. ગુગલ ઉપર આ રીતે ટાઇપ કરી શકાય.  Accommodation in Kangojodi Himachal Pradesh

(3:37 pm IST)