Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાહુલ ગાંધીએ નરેન્દ્રભાઇને કહ્યું દેશવાસીઓને રસી આપો પછી મનની વાત કરજો

નવી દિલ્હી,તા. ૨૮: મન કી બાત કાર્યક્રમ થકી એક વખત ફરીથી પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાના પર છે. રાહુલ ગાંધીએ મન કી બાત પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, બસ દરેક દેશવાસીને કોરોનાની વેકસીન તમે લગાવી દો અને એ પછી મન કી બાત કરતા રહો. રાહુલ ગાંધીએ આ નિવેદન પીએમ મોદીના કાર્યક્રમના પ્રારંભની થોડી મીનિટો પહેલા જ આપ્યુ હતુ. રાહુલ ગાંધીએ કદાચ આ નિવેદન દેશમાં વેકિસનેશન સેન્ટરો પર વેકિસનની અછતના કારણે આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દેશમાં લોકોને કોરોના વેકસીન આપવા પર સરકારે ધ્યાન આપવુ જોઈએ. રાહુલ ગાંધીએ આ નિવેદન આપવાની સાથે-સાથે વેકસીનેશનની પ્રગતિ દર્શાવતો એક વિડિયો પણ ટ્વિટર પર શેર કર્યો હતો

આ પહેલા ગઈકાલે પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સામે નિવેદન આપીને કહ્યુ હતુ કે, કોરોના મહામારીમાં દેશની સેવા કરી રહેલા ૧૧૩ લાખ કર્મચારીઓનુ સાહસ વધારવાની જગ્યાએ કેન્દ્ર સરકાર તેમની મહેનતની કમાણી છીનવી રહી છે. સૈનિકો સરકારી કર્મચારીઓ અને પેન્શર્સના ૩૭૫૦૦ કરોડ રુપિયા લૂંટી લેવા એ અપરાધ છે.

ભારતમાં અત્યાર સુધીમાં ૩૧ કરોડ લોકોને વેકસીનનો ઓછોમાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.હાલમાં રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે વેકસીનના ૧.૫ કરોડ ડોઝ ઉપલબ્ધ હોવાનો દાવો થઇ રહ્યો છે.

(3:34 pm IST)