Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

નાના વેપારીઓ-હેલ્થ-ટ્રાવેલ-ટુરીઝમ વગેરેને બુસ્ટર ડોઝ

નાણામંત્રી સીતારામને જાહેર કર્યુ રાહત પેકેજઃ નાણામંત્રીએ ૧.૫ લાખ કરોડ રૂપિયાની વધારાની ક્રેડિટ ગેરંટી યોજનાની જાહેરાત કરીઃ હેલ્થ સેકટર માટે ૫૦ હજાર કરોડ તથા અન્ય સેકટર માટે ૬૦ હજાર કરોડ ફાળવાયા

નવી દિલ્હી તા. ૨૮:નાણામંત્રી નિર્મલા સીતારામને આજે બપોરે ૮ રાહત ઉપાયોનું એલાન કર્યુઃ નાણામંત્રીએ ૧.૫ લાખ કરોડ રૂપિયાની વધારાની લોન ગેરંટી યોજનાની જાહેરાત કરીઃ તેમણે જે જાહેરાત કરી તેમાં ૪ રાહત ઉપાયો નવા છેઃ જેમાં હેલ્થ સેકટર સાથે જોડાયેલ ૧ રાહત પેકેજ પણ છેઃ હેલ્થ સેકટરમાં મેડિકલ સેકટરને લોન ગેરંટી આપવામાં આવશેઃ હેલ્થ સેકટર માટે ૫૦ હજાર કરોડ રૂપિયા તથા અન્ય સેકટર્સ માટે ૬૦ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાઃ જે હેઠળ ૧૦૦ કરોડ સુધીની લોન ૭.૯૫ ટકા વ્યાજ પર આપવામાં આવશે તો અન્ય સેકટર માટે વ્યાજ દર ૮.૨૫ ટકાથી વધુ નહીં રહે

તેમણે બીજા રાહત પેકેજ માટે જણાવ્યુ હતું કે, અગાઉ આ સ્કીમમાં ૩ લાખ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતાઃ ઇસીએલજીએસ.૧.૦, ૨.૦, ૩.૦માં અત્યાર સુધીમાં ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યુ છેઃ હવે આ સ્કીમમાં ૧.૫ લાખ કરોડ વધારાના અપાશેઃ એટલે કે આ સ્કીમ દ્વારા કુલ ૪.૫ કરોડની સહાય અપાશેઃ અત્યાર સુધી સામેલ તમામ સેકટરને તેનો લાભ મળશે

ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ નાના વેપારીઓ, વ્યકિતગત લોકો, એનબીએફસી માઇક્રો ઇન્સ્ટીટ્યુટથી ૧.૨૫ લાખ સુધીની લોન લઇ શકશેઃ જેનો હેતુ નવી લોન આપવાનો છેઃ તેના પર બેંકના એમસીએલઆર પર વધુમાં વધુ ૨ ટકા જોડીને વ્યાજ લઇ શકાશેઃ આ લોનનો ગાળો ૩ વર્ષનો હશે અને સરકાર ગેરંટી આપશેઃ જેનો લાભ ૨૫ લાખ લોકોને મળશેઃ ૮૯ દિવસના ડિફોલ્ટર્સ સહિત તમામ પ્રકારની લોન લેનારા આ માટે યોગ્ય રહેશે

કોવિડ મહામારીથી પ્રભાવિત રજીસ્ટર્ડ ટુરીસ્ટ ગાઇડ અને ટ્રાવેલ-ટુરીઝમને સરકાર નાણાકીય મદદ કરશેઃ જેમાં લાયસન્સધારી ટુરીસ્ટ ગાઇડને ૧ લાખ રૂપિયા અને ટુરીસ્ટ એજન્સીને ૧૦ લાખ લોન અપાશેઃ જે માટે ૧૦૦ ટકા ગેરંટી અપાશેઃ જેના પર કોઇ પ્રોસેસીંગ ચાર્જ નહીં લેવાય

૫ લાખ વિદેશી ટુરીસ્ટ વિઝા વિનામૂલ્યે જાહેર કરાશેઃ આ સ્કીમ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી ચાલુ રહેશેઃ આ સ્કીમ હેઠળ ૧૦૦ કરોડની સહાય અપાશેઃ એક ટુરીસ્ટને ફકત એક વખત લાભ મળશે

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છેઃ હવે આ સ્કીમને વધારીને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી કરવામાં આવેલ છેઃ યોજના હેઠળ લગભગ ૨૧.૪૨ લાખ લાભાર્થીઓ માટે ૯૦૨ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છેઃ આ સ્કીમ હેઠળ સરકાર ૧૫ હજારથી ઓછા પગારદારને અને કંપનીઓના પીએફનું ચૂકવણુ કરે છેઃ જે હેઠળ સરકાર કર્મચારી-કંપનીના ૧૨-૧૨ ટકા પીએફનું ચુકવણુ કરે છેઃ સરકારે આ સ્કીમમાં ૨૨૮૧૦ કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્યાંક રાખ્યુ છે જેનાથી ૫૮.૫૦ લાખ લોકોને મદદ મળશે

રાહત ઉપાય ૭ હેઠળ દેશના ખેડૂતોને ૧૪૭૭૫ કરોડની વધારાની સબસીડી અપાઇ છેઃ જેમાં ૯૧૨૫ કરોડની સબસીડી ફકત ડીએપી હેઠળ આપવામાં આવી છેઃ તો ૫૬૫૦ કરોડની સબસીડી એનપીકે પર આપવામાં આવી છેઃ રવિ સીઝન ૨૦૨૦-૨૧માં ૪૩૨.૪૮ લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છેઃ અત્યાર સુધી ખેડૂતોને ૮૫૪૧૩ કરોડ સીધા આપવામાં આવ્યા છે

પીએમએ ગરીબોને અનાજ આપવાની જાહેરાત કરી હતીઃ આ સ્કીમ હેઠળ ૮૦ કરોડ લોકોને ૫ કિલો અનાજ નવેમ્બર ૨૦૨૧ સુધી વિનામૂલ્યે આપવામાં આવશેઃ અત્યાર સુધી ૧૩૩૯૭૨ કરોડનો ખર્ચ થયો છેઃ આ વર્ષે ૯૩૮૯૬ કરોડનો ખર્ચ થશે

(5:25 pm IST)