Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

શું નબળી પડી જશે કોરોના સામેની લડાઇ ?

જુલાઇથી રાજ્યોને ફકત ૧૨ કરોડ જ રસી અપાશે કેન્દ્ર સરકાર

એક દિવસમાં એક કરોડ રસી લગાવવાનું લક્ષ્ય આવતા મહિને પણ પુરૃં નહીં થઇ શકે

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે તે જુલાઈ- ઓગસ્ટના રોજ લગભગ ૧ કરોડ રસી લગાવીને આ વર્ષના અંત સુધીમાં દેશમાં વ્યસ્ક વસ્તીનું રસીકરણ પુરુ કરી દેશે. જો કે એક દિવસમાં એક કરોડ રસી લગાવવાનું લક્ષ્ય આવતા મહિને પણ પુરૂ નહીં થઈ શકે. હકિકતમાં જુલાઈમાં કેન્દ્ર સરકાર રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોનાની રસીના ૧૨ કરોડ ડોઝ પુરા પાડશે. જેમાંથી ૧૦ કરોડ ડોઝ કોવિશીલ્ડ અને ૨ કરોડ ડોઝ કોવૈકસીન રહેશે.

રસીના ૧૨ કરોડ ડોઝમાંથી ૭૫ ટકા કેન્દ્ર દ્વારા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવશે. તો નવી રસીની નીતિ અંતર્ગત ૨૫ ટકા રસીને ખાનગી હોસ્પિટલો માટે રહેશે. ઉલ્લેખનીય છે કે ૨૧ જૂનથી ૨૭ જૂનનું અઠવાડિયું લગભગ ભારત માટે સૌથી સારૂ રહ્યું છે. આ અઠવાડિયામાં દર રોજ લગભગ ૬૦ લાખ રસી લાગી છે.

જોકે એકસપર્ટ્સનું કહેવું છે કે આગલા મહિને રસીકરણની સ્પીડ ધીમી પડી શકે છે.  ૧૨ કરોડ રસીના હિસાબે દર રોજ લગભગ દેશમાં ૪૦ લાખ ડોઝ આપવામાં આવશે. જૂન મહિનામાં રવિવારે એટલે કે ૨૭ જૂન સુધી દેશની અંદર ૧૦.૬ કરોડ ડોઝ લગાવાઈ રહ્યા છે. ફકત એક અઠવાડિયામાં દેશમાં ૪.૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આગામી મહિના માટે રાજયોને પહેલાથી આ જાણકારી આપી દે છે કે તેમને રસીના કેટલા ડોઝ મળવાના છે. જેથી રસીકણ સંચાલન તે પ્રમાણે થઈ શકે.   દેશમાં હાલમાં કોવિશીલ્ડ અને કોવેકસીનના બે ડોઝના માધ્યમથી કેન્દ્ર સરકાર રસીકરણ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત રશિયાની સ્પૂતનિક વીને ભારતમાં ૧૩ એપ્રિલે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ હતી અને આ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.  ભારતમાં કુલ ૨૬.૫ કરોડ લોકોને રસીના ૩૭.૧ કરોડ ડોઝ અપાઈ ચૂકયા છે. જેમાંથી ૨૦.૯ કરોડને રસીનો પહેલો ડોઝ લાગ્યો છે. ત્યારે ૫.૬૪ કરોડ રસીના બન્ને ડોઝ લાગ્યા છે. ઓગસ્ટ મહિનામાં દર રોજ એક કરોડ રસી આપવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે દેશને ૩૦ કરોડથી વધારે ડોઝની જરૂર રહેશે.

(4:43 pm IST)