Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

માંગણીઓ અભેરાઇએ : કેન્દ્રીય કર્મચારીઓ - પેન્શનરો નિરાશ

કેબિનેટ સચિવ - જેસીએમની બેઠકથી કેન્દ્ર સરકારના ૧ કરોડથી વધુ કર્મચારીઓ - પેન્શનરો નિરાશ : કોઇ નિર્ણય ન લેવાયો : માંગણી ટાળી દેવાઇ : ૧૮-૧૮ માસથી બંધ છે ડીએ તથા ડીઆરના એરિયર્સનું ચુકવણુ : કર્મચારી નેતાઓએ ૧૫ જુલાઇ સુધીનો સમય આપ્યો

નવી દિલ્હી તા. ૨૮ : કેબીનેટ સચિવ અને જેસીએમની રાષ્ટ્રીય પરિષદ (સ્ટાફ સાઇડ) વચ્ચે ૨૬ જૂને થયેલ બેઠકમાં માત્ર ચર્ચાઓ જ થઇ. મોટાભાગની માંગણીઓને વિચારશું એવું કહીને અભેરાઇએ ચડાવી દેવાઇ. કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારી અને ૬૫ લાખ પેન્શનર આ મીટીંગ બાબતે બહુ ઉત્સાહિત હતા. તેમને આશા હતી કે લાંબા સમયથી અધ્ધરતાલ રહેલી માંગણીઓ અંગે નિર્ણય લેવાશે પણ એવું કાંઇ નથી થયું.

રાષ્ટ્રીય પરિષદ (સ્ટાફ સાઇડ)ના મંત્રી શિવગોપાલ મિશ્રા અને અખિલ ભારતીય રક્ષા કર્મચારી મહાસંઘના મહામંત્રી સી શ્રીકુમારે કેબિનેટ સચિવને કહ્યું કે, સરકારે જેસીએમ સાથે ચર્ચા કર્યા વગર સુરક્ષા આધુનિકીકરણના નામે ૪૧ શસ્ત્ર ફેકટરીઓને સાત નિગમોમાં ફેરવી નાખી છે. કોરોનાકાળમાં ૧૮ મહિનાથી બંધ ડીએ અને ડીઆર બાબતે કોઇ નક્કર જવાબ નથી મળ્યો. શ્રી કુમારે કહ્યું કે કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થા રોકવાથી સરકારના ૪૦ હજાર કરોડ રૂપિયા બચ્યા છે.  કેબીનેટ સચિવે નાણા સચિવને કહ્યું કે, કેબીનેટની મંજૂરી લઇને ડીએ અને ડીઆર ચાલુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. કર્મચારી નેતાઓએ ચેતવણી આપી છે કે જો ૧૫ જુલાઇ સુધીમાં આ પ્રક્રિયા શરૂ નહીં થાય તો તેઓ મોટા પગલા લેવા મજબૂર બની જશે.

મીટીંગમાં મુકાયેલ ૨૧ પ્રસ્તાવોમાંથી મોટાભાગનાને 'ચર્ચા' અથવા અન્ય કોઇ મંત્રાલયમાં મોકલવાના નામે ટાળી દેવાયા હતા. ૮૦ વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને આવક વેરામાં છૂટ આપવાની બાબત પણ કર વિભાગને મોકલવાનું કહીને ટાળી દેવાઇ છે.

જણાવી દઇએ કે અખિલ ભારતીય રક્ષા કર્મચારી મહાસંઘ અને અન્ય બે સંગઠનોએ આ બાબતે ૧૯ જુલાઇથી અનિશ્ચિતકાળની હડતાલ પર જવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પરિષદે કેન્દ્ર સરકાર સામે વાતચીતનો જે એજન્ડા રાખ્યો હતો તેમાં ૨૯ માંગણીઓ સામેલ હતી. જો કે સમય ઓછો હોવાના કારણે તેમાંથી ૨૧ માંગણીઓ પર જ ચર્ચા થઇ શકી હતી.

શિવગોપાલ મિશ્રા અને સી.શ્રીકુમારે જેસીએમની મીટીંગમાં સભ્યની રૂએ કેબિનેટ સચિવને આગ્રહ કર્યો હતો કે બધી ૪૧ શસ્ત્ર ફેકટરીઓને સાત કંપનીઓમાં વિભાજીત ના કરવામાં આવે. કેન્દ્ર સરકારના લગભગ ૩૨ લાખ કર્મચારીઓએ આ અંગે વડાપ્રધાન મોદી સમક્ષ માંગણી કરી છે કે તે ૪૧ શસ્ત્ર ફેકટરીઓને ખાનગીકરણ તરફ ના લઇ જાય. સરકાર તેના પર ફેર વિચારણા કરે.

(10:59 am IST)