Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોનાની બીજી લહેરમાં લોકોમાં તણાવ, ડર અને ચિંતાની ફરિયાદોમાં વધારો

કોરોનાની બીજી લહેરમાં આખા પરિવારો કોરોના સંક્રમિત થયા છે જેના કારણે લોકોના મનમાં ડર અને ચિંતાનો વધારો થયો છે

નવી દિલ્હી,તા. ૨૮:  કોરોના વાયરસની આ મહામારીમાં કેટલાંક પ્રતિબંધોના કારણે પરિવારના સભ્યો સાથે દુઃખની વહેંચણી નહીં કરી શકતા અથવા એકલા દુઃખ સહન નહીં કરી શકતા ઘણાં લોકો ચિંતા, ઊંઘ નહીં આવવી, હતાશા સહિત અન્ય માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોના વાયરસની આ મહામારીની લોકો પર સીધી અથવા પરોક્ષરીતે અસર થઈ છે. એકસપર્ટ્સનું કહેવું છે કે નવી દિલ્હીની ઘણી હોસ્પિટલ્સ અને કિલનિકોમાં આઘાત બાદ તણાવથી ઉત્પન્ન થતી માનસિક બીમારી સંબંધિત લક્ષણની ફરિયાદ કરતા રોગીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

ત્યાંના હેલ્થ એકસપર્ટ્સના જણાવ્યા મુજબ, કોરોનાની બીજી લહેરમાં આખાને આખા પરિવારો કોરોના સંક્રમિત થયા છે જેના કારણે લોકોના મનમાં ડર અને ચિંતાનો વધારો થયો છે. આ કારણે ઘણાં લોકો ગંભીર માનસિક બીમારીનો શિકાર બની રહ્યા છે.

ડોકટરે કહ્યું કે ઘણાં એવા કેસ છે કે જેમાં ભલે પરિવારમાં કોઈનું મૃત્યુ ના થયું હોય પણ ઘણાં લોકોએ પોતાના મિત્રો, પરિચિત અથવા નજીકથી ઓળખતા હોય તેવા વ્યકિતને કોરોનામાં ગુમાવ્યા છે. જેના કારણે તેમનો માનસિક તણાવ વધ્યો છે.

ઉદાસી, અલગ થવું, સ્વજનોને ગુમાવવાનો ડર, આવકમાં ઘટાડો અને સામાજિક મેળાવડા નહીં થતાં હોવાને કારણે પણ લોકોમાં માનસિક સમસ્યા વધી રહી છે. જીવનશૈલીમાં પ્રતિબંધ અને કોરોના વાયરસના ડરના કારણે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. કોરોના વાયરસની આ મહામારી દરમિયાન લોકોની ચિંતા અને હતાશામાં ચોક્કસપણે વધારો થયો છે.

(10:11 am IST)