Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વિશ્વસ્તરે મોંઘુ થઇ રહ્યું છે અનાજ : વર્ષોના સૌથી ઉંચા ભાવ પર IMFએ ચિંતા વ્યકત કરી

વિશ્વસ્તરે ખાદ્ય સામગ્રીમાં થઇ રહેલો ભાવ વધારો હજુ વધશે અને વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં અનાજની કિંમતોમાં ૨૫ ટકા સુધીનો વધારો થશે : આંતરરાષ્ટ્રીય બજારોમાં અનાજ-કઠોળના ભાવમાં વધારાની અસર ઘરેલુ બજારો પર જોવા મળી રહી છે : IMFના નિષ્ણાંતોનું કહેવુ છે કે, ખાદ્ય સામગ્રીની કિંમતોમાં હાલ પૂરતો વધારો થતો રહેશે :આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યસામગ્રીની ઉંચી કિંમતોની પ્રતિકૂળ અસર વિકાસશીલ દેશો પર વધારે પડશે

વોશિંગટન,તા. ૨૮: કોરોના મહામારીને લીધે દુનિયાના મોટાભાગના દેશોની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે. જેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીને લીધે આવેલી મોંઘવારીનો ગંભીર મુદ્દો પણ લોકોને સતાવી રહ્યો છે. તો બીજી તરફ ઇન્ટરનેશન મોનેટરી ફંડ-IMF એ વિશ્વિસ્તરે અનાજ-કઠોળના ભાવોમાં થઇ રહેલા વધારાને લઇને ચિંતા વ્યકત કરી છે.

International Monetary Fundના ક્રિસ્ટિયન બોગમેંસ, આંદ્રેઇ પેસાકાટોરી અને ઇરવિન પ્રિફ્ટીએ લખેલા લેખમાં આશંકા વ્યકત કરવામાં આવી છે કે, વિશ્વસ્તરે ખાદ્ય સામગ્રીમાં થઇ રહેલો ભાવ વધારો હજુ વધશે અને વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં અનાજની કિંમતોમાં ૨૫ ટકા સુધીનો વધારો થશે. આ વર્ષના અંતમાં ખાદ્ય સામગ્રીની કિંમતો સ્થિર થાય એવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય સામગ્રીના ભાવમાં આવેલા ઉછાળાની અસર દેશો પર પડી રહી છે. તેમના ઘરેલુ બજારોમાં અનાજના ભાવ સતત વધી રહ્યા છે અને દુકાનદારો વધી રહેલી કિંમતોનો બોઝો ગ્રાહકો પર નાંખી રહ્યા છે. ભારતમાં પણ ખાણી-પીણીની ચીજોનો ભાવ આસમાને પહોંચી રહ્યા છે. દેશમાં ખાદ્ય તેલ અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવે પહોંચી ચૂકયા છે.

વિશ્વસ્તરે ફુગાવાની સ્થિતિને લઇને IMFના અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાણી-પીણી સામગ્રીની ઉંચી કિંમતોની પ્રતિકૂળ અસર વિકાસશીલ દેશો પર વધારે પડશે. જે પાછળનું કારણ એ છે કે આયાત પર તેમણે ડોલરમાં ચૂકવણી કરવી પડી રહી છે. જો ડોલરની સરખામણીએ તેમની કરન્સી નબળી પડે છે તો એમના માટે આયાત વધુ મોંઘુ થશે. ભારત કઠોળ અને ખાદ્યતેલોની આયાતમાં મોખરું સ્થાન ધરાવે છે.

(10:10 am IST)