Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલામાં થયો હતો RDXનો ઉપયોગ

પાકિસ્તાની આતંકવાદીઓએ મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

શ્રીનગર,તા. ૨૮: જમ્મુ એરપોર્ટ પરિસરમાં સ્થિત વાયુસેના સ્ટેશન પર બે ડ્રોનથી કરવામાં આવેલા આઇઇડી હુમલામાં આરડીએકસ નો ઉપયોગ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી. હાલ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે દરેક આઇઇડીમાં ૧.૫ કિલોગ્રામ આરડીએકસ હતો. બીજી તરફ, કેન્દ્રએ કહ્યું છે કે પાકિસ્તાનની સાથે તેમના સંદ્યર્ષવિરામ સમજૂતી પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોનું માનીએ તો તપાસના પરિણામોની રાહ જોવામાં આવી રહી છે અને જે પણ પરિણામ સામે આવશે તેના આધાર પર પાકિસ્તાન પાસેથી જવાબ માંગવામાં આવશે.

આ દરમિયાન વાયુસેના સ્ટેશન પર બ્લાસ્ટના મામલામાં રવિવારે ગેરકાયદેસર ગતિવિધ પ્રતિરોધ અધિનિયમ (UAPA) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીઓએ તેની જાણકારી આપતા સંકેત આપ્યા કે આ મામલો આતંકવાદ સાથે સંબંધિત મામલાની તપાસ કરનારી એજન્સી એનઆઇએ (NIA) દ્વારા કરવામાં આવવાની શકયતા છે. અધિકારીઓએ જણાવ્યું કે UAPAની કલમો ૧૩/૧૬/૧૮/૨૩ (ગેરકાયદેસર ગતિવિધિ/આતંકવાદી કૃત્ય/કાવતરું/દંડમાં વૃદ્ઘિ) તથા આઇપીસીની કલમ ૧૨૦ (અપરાધિક કાવતરૃં) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટક સામગ્રી કાયદાકીય કલમો ત્રણ અને ચાર પણ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ પરિસર સ્થિત વાયુસેના સ્ટેશન પર શનિવાર મોડી રાત્રે ડ્રોનનો ઉપયોગ કરીને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અધિકારીઓએ મુજબ, પાકિસ્તાની આતંકવાદીઓએ મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો છે.

અધિકારીઓએ વધુમાં કહ્યું કે, પહલો વિસ્ફોટ શનિવાર મોડી રાત્રે ૧:૪૦ વાગ્યાની આસપાસ થયો, જયારે બીજો તેની ૬ મિનિટ બાદ થયો. તેમણે જણાવ્યું કે આ બોમ્બ વિસ્ફોટમાં બે વાયુસેના કર્મી દ્યાયલ થયા. તેમણે કહ્યું કે પહેલા બ્લાસ્ટમાં શહેરના બહારના સતવારી વિસ્તારમાં ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એરપોર્ટના ઉચ્ચ સુરક્ષાવાળા ટેકનીકલ ક્ષેત્રમાં એક માળના બિલ્ડિંગની છતને નુકસાન થયું, જયારે બીજા હુમલો જમીન પર થયો.

(10:08 am IST)