Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મહાકાળેશ્વર મંદિર આજથી ખૂલ્યુ મુકાયું

મંદિરમાં દર્શન માટે શ્રદ્ઘાળુઓએ ઓનલાઇન મંજૂરી લેવી પડશે : કોરોનાની રસીનો એક ડોઝ લીધો હોય એવા લોકોએ મંદિરમાં પ્રવેશ સમયે તેમના સર્ટિફિકેટ રજૂ કરવા પડશે અથવા મંદિરમાં આવતા પહેલાના ૪૮ કલાક પહેલા સુધીનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે

ભોપાલ,તા.૨૮: ૮૦ દિવસ બંધ રહ્યા બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું પ્રસિદ્ઘ મહાકાળેશ્વર મંદિર આજથી શ્રદ્ઘાળુઓના દર્શન માટે ખુલ્લું મુકાશે, એમ મંદિરની વ્યવસ્થાપન કમિટીએ જણાવ્યું હતું.

રાજયમાં કોરોનાના કેસમાં વધારો થવાને કારણે નવમી એપ્રિલથી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારી ફાટી નીકળી ત્યાર બાદ આ બીજી વાર મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વ્યવસ્થાપન કમિટીએ સ્પષ્ટતા કરી હતી કે મંદિરના ગર્ભગૃહ અને નંદીહોલમાં કોઇને પ્રવેશ આપવામાં નહીં આવે. મંદિરમાં દર્શન માટે શ્રદ્ઘાળુઓએ ઓનલાઇન મંજૂરી લેવી પડશે. કોરોનાની રસીનો એક ડોઝ લીધો હોય એવા લોકોએ મંદિરમાં પ્રવેશ સમયે તેમના સર્ટિફિકેટ રજૂ કરવા પડશે અથવા મંદિરમાં આવતા પહેલાના ૪૮ કલાક પહેલા સુધીનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. રોજ સવારે છથી રાતે આઠ વાગ્યા સુધીમાં ૩,૫૦૦ શ્રદ્ઘાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. બે-બે કલાકના સાત ટાઇમ સ્લોટ રાખવામાં આવ્યા છે અને દરેક સ્લોટમાં ૫૦૦ લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

કોરોના મહામારી પહેલા રોજના ૨૦,૦૦૦ શ્રદ્ઘાળુ આ મંદિરમાં દર્શનાર્થે આવતા હતા. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૧૭૫ કિ.મી.ના અંતરે આવેલું મહાકાળેેશ્વરનું મંદિર ભગવાન શંકરને સમર્પિત છે અને દેશના ૧૨ જયોર્તિલિંગમાંનું એક છે.

(10:06 am IST)