Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પરમાણુ બૉમ્બ બનાવવા માટેનું યુરેનિયમ ભારતમાં કાળાબજારમાં વેચાય છે : પાકિસ્તાનનો ગંભીર આરોપ

અલવીએ 12 દેશોના સૈન્ય અધિકારીઓ સાથેની એક બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હી : પરમાણુ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ યુરેનિયમ ભારતમાં કાળાબજારમાં વેચાય છે તેવો ગંભીર આરોપ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.આરિફ અલવીએ લગાવ્યો છે.

તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે, ભારતમાં બ્લેક માર્કેટમાં થઈ રહેલા યુરેનિયમના વેચાણ પર ધ્યાન આપવાની જરુર છે.આ પ્રકારની રેડિઓએક્ટિવ ચીજ ખોટા હાથમાં પડી શકે છે.જે લોકોની સાથે સાથે દેશની સુરક્ષાને પણ ખતરામાં મુકી શકે છે.આંતરરાષ્ટ્રિય મીડિયાએ આ વાતને નજરઅંદાજ કરી છે.જેના ગંભીર પરિણામ આવી શકે છે.

અલવીએ 12 દેશોના સૈન્ય અધિકારીઓ સાથેની એક બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.જેમાં તેમણે પાકિસ્તાન દ્વારા આતંકવાદ સામેના યુધ્ધમાં કેવી રીતે વિજય પ્રાપ્ત કરાયો છે તેની વાત કરી હતી.પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ શેખી હાંકતા કહ્યુ હતુ કે, પાક સેનાએ આતંકીઓ સામે સફળ અભિયાન ચલાવ્યુ છે અને આતંક સામેના યુધ્ધમાં પાકિસ્તાનને 150 અબજ ડોલરનુ નુકસાન થયુ છે.

જોકે રાષ્ટ્રપતિએ પાકિસ્તાનમાં જ આતંકી સંગઠનો ફુલ્યા ફાલ્યા છે તે વાતનો ઉલ્લેખ કરવાનુ ટાળ્યુ હતુ અને કહ્યુ હતુ કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પણ શાંતિ સ્થપાય તે માટે પ્રયાસો કરી રહ્યુ છે.પાકિસ્તાન અફઘાનિસ્તાનની અસ્થિરતાના કારણે પ્રભાવિત થયુ છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગયા મહિને ગેરકાયદેસર યુરેનિયમ પકડાયુ હતુ અને તેના પગલે પાકિસ્તાનમાં હલચલ મચી હતી.પાક વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, આ ઘટનાની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ.મુંબઈ પોલીસે સાત કિલો યુરેનિયમ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

(12:00 am IST)